ગાંધીનગર
રાજ્યના પાટનગર ગાંધીનગરના કડક દારૂ બંધીની અમલવારી વચ્ચે છેલ્લાં ચાર વર્ષમાં માત્ર સાત પોલીસ મથકમાં પ્રોહીબીશનનાં ૪૪૮ ગુના નોંધાયા છે. જે અન્વયે પોલીસ દ્વારા રૂ. ૨ કરોડ ૨૬ લાખ ૪૯ હજાર ૯૯૮ની કિંમતની ૯૨ હજાર ૨૦૮ નંગ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેનો આજે કોર્ટના આદેશ મુજબ ગાંધીનગરના કોબા સર્કલ પાસે પ્રાંત અધિકારી બ્રિજેશ મોરીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ કે રાણાનાં સુપરવિઝન નાશ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ડિવિઝનના પેથાપુર, ડભોડા, દહેગામ, રખીયાલ, ઈન્ફોસિટી, ચીલોડા અને સેક્ટર – ૨૧ પોલીસ મથકની હદમાં વર્ષ ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં ૯૨ હજાર ૨૦૮ વિદેશી દારૂ ઝડપાયો હતો. જેને આજે વાહનોમાં કોબા સર્કલ પાસેના અવાવરું સ્થળે લઈ જવાયો હતો. જ્યાં જે તે પોલીસ મથક દ્વારા વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો એકઠો કરવામાં આવ્યો હતો. બાદમાં સાતેય પોલીસ મથકમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાની ગણતરી પણ કરવામાં આવી હતી અને તમામ જથ્થાને જમીન ઉપર પાથરી દઈ બુલ ડોઝર ફેરવી દેવામાં આવતા દારૂની નદી વહેવા લાગી હતી. ત્યારે આગની ઘટના ન ઘટે તે માટે ફાયર બ્રિગેડની ટીમને પણ ખાસ તૈનાત કરવામાં આવી હતી.ગાંધીનગર જિલ્લાના ૭ પોલીસ મથકની હદમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન પકડાયેલા ૨ કરોડ ૨૬ લાખ ૪૯ હજાર ૯૯૮ની કિંમતની ૯૨ હજાર ૨૦૮ દારૂ – બિયરના જથ્થા ઉપર આજે બુલ ડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ગાંધીનગર પ્રાંત અધિકારી બ્રિજેશ મોરીયા ખાસ સ્થળ ઉપર હાજર રહ્યા હતા


