Gujarat

ગાંધીનગરમાં વધારે પાણી ભરાઈ રહેતા સ્ટ્રોંમ વોટર લાઈન નાંખવામાં આવશે

ગાંધીનગર
હાલમાં મોટાભાગે તમામ સેકટરોમાં મકાન આગળ પેવર બ્લોક નાંખી દેવામાં આવ્યા છે. જેના કારણે માર્ગો કરતાં પેવર બ્લોકનું લેવલ વધી ગયું છે અને આ જ સ્થિતિના કારણે સેકટરોના આંતરિક માર્ગો ઉપર પાણી ભરાઈ રહેતું હોવાની ફરિયાદો વ્યાપક બની હોવાનું કોર્પોરેશન તંત્રના ધ્યાને આવતા આગામી સમયમાં પેવર બ્લોકની કામગીરી પણ રોડની સમાંતર જ કરવા માટે સૂચના આપવામાં આવશે. ગાંધીનગરનાં આંતરિક માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાની ખાસ કરીને વરસાદી સિઝનમાં વધુ ઉદ્દભવતી સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશન તંત્ર દ્વારા આંતરિક માર્ગો કે જ્યાં વધુ માત્રામાં પાણી ભરાઈ રહેતાં હોય છે એવા માર્ગોનો સર્વે હાથ ધરીને સ્ટ્રોંમ વોટર લાઈન નાંખવાની કામગીરી કરશે. જેનાં માટે સેકટરોમાં વધારે પાણી ભરાઈ રહેવાની ફરીયાદો છે તે જાણવા માટે ભુતકાળની ફરિયાદોનો રેકોર્ડ તપાસી તેમજ સ્થાનિકોનો પણ અભિપ્રાય લેવામાં આવશે. ગાંધીનગરનાં આંતરિક માર્ગો ઉપર ખાસ કરીને વરસાદી સિઝનમાં પાણી ભરાઈ રહેવાની વ્યાપક બૂમરાણ ઉઠતી રહેતી હોય છે. શહેરમાં મુખ્ય અને રીંગ રોડ ઉપર પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા સ્ટ્રોંમ વોટર લાઈનો નાખવામાં આવેલી છે. જેનાં કારણે આ માર્ગો પર પાણી ભરાઈ રહેવાની સમસ્યા નહિવત રહેતી હોય છે. પરંતુ સેકટરોના આંતરિક વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાઈ રહેવાની ચોમાસામાં ફરિયાદો વ્યાપક બને છે. મકાન આગળ પેવર બ્લોક નંખાયેલા હોવાથી પાણી જમીનમાં ઉતરતું નથી અને પાણી રોડ ઉપર જ ભરાઈ રહે છે જેના કારણે મચ્છરજન્ય રોગચાળો પણ માથું ઉંચકે છે. ત્યારે આ સ્થિતિમાં કોર્પોરેશને હવે ગાંધીનગરના સેકટરોમાં આંતરિક માર્ગો ઉપર પણ સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાનું નક્કી કર્યું છે. આંતરિક માર્ગો ઉપર બન્ને બાજુ પાણી, ગટર, ઈલેકટ્રીક અને ગેસ લાઈન હોવાથી રોડ સાઈડમાં સ્ટ્રોમ વોટર લાઈન નાંખવી શક્ય નથી. જેથી માર્ગની વચ્ચો વચ નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. જેના માટે સ્થાનિક વસાહતીઓના અભિપ્રાય પણ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *