મુંબઈ
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને લાઉડસ્પીકર વિવાદ પર પોતાનો પક્ષ રજુ કર્યો. તેમણે કહ્યું કે આ મુદ્દે અમે શાંતિથી વાત કરવા માંગીએ છીએ. પરંતુ સરકાર સમજતી નથી. સરકાર અમારા લોકોની ધરપકડ કરે છે. ધરપકડ કરવાથી શું મળશે. તેમણે કહ્યું કે હું એ નથી કહેતો કે અઝાન ન કરો. મસ્જિદમાં પ્રાર્થના ન કરો. મારો વિરોધ બસ એ છે કે લાઉડસ્પીકરનો ઉપયોગ ન કરો. તહેવારો પર મંજૂરી સાથે લાઉડસ્પીકરનો ઉપયોગ કરો. તેમણે કહ્યું કે મને જણાવવામાં આવ્યું છે કે ૧૪૦૦-૧૫૯૯ મસ્જિદોમાંથી ૧૩૫ મસ્જિદો પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમ તોડીને લાઉડસ્પીકરથી અઝાન થઈ. મહારાષ્ટ્ર પોલીસ એ જણાવે કે તમે આ ૧૩૫ મસ્જિદો પર શું કાર્યવાહી કરશો. તમે અમારા કાર્યકરોને પકડી રહ્યા છો. રાજ ઠાકરેએ કહ્યું કે મારો વિરોધ આખુ વર્ષ લાઉડસ્પીકરના ઉપયોગ સામે છે. મસ્જિદોને આખુ વર્ષ લાઉડસ્પીકરના ઉપયોગ માટે મંજૂરી કેવી રીતે આપી શકાય. અમે રાજ્યમાં શાંતિ ઈચ્છીએ છીએ. અમારું સ્પષ્ટ કહેવું છે કે મસ્જિદોમાંથી ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવો. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થવું જાેઈએ. પ્રેસ કોન્ફરન્સમાં રાજ ઠાકરેએ કહ્યું કે અમે કાયદાનું પાલન કરાવી રહ્યા છીએ અને ફક્ત સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવીએ છીએ. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં ૯૨ ટકા મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન થઈ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૫૦થી ૫૫ ડેસીબેલથી વધુ અવાજમાં લાઉડસ્પીકર લગાવી શકાય નહીં. અમારો વિષય સમજવા બદલ આભાર. અમે હંમેશાથી કહીએ છીએ કે આ મુદ્દો ધાર્મિક નહીં પરંતુ સામાજિક છે. તેમણે એમ પણ કહ્યું કે જાે મંદિરો પર (ગેરકાયદેસર લાઉડસ્પીકર) હોય તો તેને પણ કાઢો. રાજ ઠાકરેએ કહ્યું કે અનેક જગ્યાઓ પર અમારા કાર્યકરોને નોટિસ મોકલવામાં આવી રહી છે અને તેમને અટકાયતમાં લેવાઈ રહ્યા છે તથા ધરપકડ થઈ રહી છે. સવારથી મને ફોન આવે છે. મહારાષ્ટ્ર બહારથી પણ ફોન આવે છે. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યાં મુજબ આ સમગ્ર મામલે લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા વગાડવા મુદ્દે ૨૫૦થી વધુ એમએનએસ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અઝાનનો વિવાદ દિન પ્રતિદિન વધતો જાય છે. રાજ ઠાકરે હજુ પણ પોતાના ર્નિણય પર મક્કમ છે જ્યારે બીજી બાજુ સરકાર પણ આ મુદ્દે પોતાના ર્નિણય પર અડગ છે. આજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અનેક કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા. રાજ ઠાકરેએ ફરીથી એકવાર કહી દીધુ કે જ્યાં મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં ઉતરે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ થશે. તેમણે કહ્યું કે આ એક સામાજિક વિષય છે , તે ધાર્મિક નથી. જાે તેને ધાર્મિક રંગ આપશો તો અમે પણ તે જ અંદાજમાં જવાબ આપીશું.
