Gujarat

રાજકોટમાં ધો.૮ની વિદ્યાર્થીએ ગળેફાંસો ખાતા પરિવારમાં શોક

રાજકોટ
ગુજરાતમાં હાલ સગીર વયના બાળકો આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે રાજકોટના મોરબી રોડ પરના મહાશક્તિ પાર્કમાં રહેતી અને ધો.૮માં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરે ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થિની એક ભાઈ અને બહેનમાં મોટી હતી, પિતા રીક્ષા ચાલક છે. વિદ્યાર્થિનીનું થોડા દિવસ પહેલા ધો.૮માં એડમિશન કરાવાયું હતું. પિતા કામે અનેમાતા નાના પુત્ર સાથે કામ માટે બહાર ગયા હતા. બાદમાં વિદ્યાર્થિની ઘરે એકલી હોય પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. માતા ઘરે પરત આવતા દીકરીને લટકતી જાેઈ આઘાતમાં સરી પડ્યા હતા. દેકારો થતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થિનીને નીચે ઉતારી સિવિલમાં ખસેડી હતી. પરંતુ અહીં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિની ઘરકામ કરવા માટે તેના માતા સતત કહેતા રહેતા હતા. જેના કારણે લાગી આવતા આજે આત્મઘાતી પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ બી ડિવિઝન પોલીસના પીએસઆઈ બી.બી. કોડીયાતરે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ એક મહિના પહેલા ધો.૧૨માં અભ્યાસ કરતી સગીરાની તા.૨૮/૦૩ના રોજ બોર્ડની પરીક્ષા ચાલુ થઈ હતી અને પહેલું પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં નાપાસ થઈશ તો એવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યારબાદ પિતાને કહ્યું હતું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, આથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. અહીં એક દિવસની સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે કાર્યવાહી કરી હતી. ધો.૧૨ની વિદ્યાર્થિનીના આપઘાતના બનાવના એક સપ્તાહ પહેલાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી અને રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિનીએ બાથરૂમમાં પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. યુવતીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી જઈને જાતને જલાવી જીવાદોરી ટૂંકાવી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *