નવીદિલ્હી
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ મળવાની ઉજવણી શાનદાર અંદાજમાં કરી છે. સ્ટોક્સે વોસ્ટશાયર સામે કાઉન્ટી ચેમ્પિયનશીપ ડિવિઝન-૨માં ડરહમ માટે રમતાં માત્ર ૬૪ બોલમાં સદી ફટકારી દીધી. આ દરમિયાન તેણે ડાબા હાથના સ્પિનર જાેસ બેકરની એક ઓવરમાં ૩૪ રન બનાવીને સદીને સ્પર્શ કર્યો. બેકરની તે ઓવરના છેલ્લા બોલે બોલ બાઉન્ડ્રી રોપની પહેલા પડ્યો. જેના કારણે બેન સ્ટોક્સ એક ઓવરમાં ૬ સિક્સ ફટકારવાથી ચૂકી ગયો. આ ઘટના ઈનિંગ્સની ૧૧૭મી ઓવરમાં બની. તે સમયે બેન સ્ટોક્સ ૫૯ બોલમાં ૭૦ રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. અને તેણે સ્પિન બોલરની ઓવરમાં પાંચ સિક્સ ફટકારી. બેન સ્ટોક્સ આખરે ૮૮ બોલમાં ૧૬૧ રન બનાવીને આઉટ થયો. સ્ટોક્સે પોતાની ઈનિંગ્સમાં ૧૭ સિક્સ અને ૮ ચોક્કા ફટકાર્યા. સ્ટોક્સની આક્રમક ઈનિંગ્સની મદદથી ડરહમે ૫૮૦/૬ પર ઈનિંગ્સ પૂરી જાહેર કરી હતી. સોશિયલ મીડિયા પર સ્ટોક્સની તોફાની બેટિંગના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ૩૧ વર્ષના સ્ટોક્સને ગયા મહિને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બેન સ્ટોક્સ જાે રૂટની જગ્યા લેશે. કેમ કે રૂટે ખરાબ પ્રદર્શનના કારણે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. બેન સ્ટોક્સે ૨૦૧૩માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. બેન સ્ટોક્સ ન્યૂઝીલેન્ડની સામે ફૂલ ટાઈમ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. બેન સ્ટોક્સને ઘરઆંગણે કુલ સાત ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં ભારત સામેની એક ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. ડાબા હાથથી બેટિંગ અને જમણા હાથથી બોલિંગ કરનારા સ્ટોક્સે અત્યાર સુધી ૭૯ મેચમાં ૫૦૬૧ રન બનાવ્યા છે. જ્યારે ૧૭૪ વિકેટ લીધી છે. ૨૦૧૭માં તેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે રૂટની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે.


