Maharashtra

મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાં બાળકને બચાવવા જતા પરિવારના ૫ લોકો ડૂબ્યા

મુંબઈ
મહારાષ્ટ્ર ડોમ્બિવલીમાં પાણીથી ભરેલી ખાણમાં પડી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ મીરા ગાયકવાડ (૫૫), તેની પુત્રવધૂ અપેક્ષા અને ત્રણ પૌત્રો મયુરેશ, મોક્ષ અને નિલેશ તરીકે કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના શનિવારની સાંજે લગભગ ૪ કલાકે સંદીપ ગામમાં બની હતી. ઉલ્લેખનીય છે કે, પરિવારનું એક બાળક આકસ્મિક રીતે લપસીને આ ખાણમાં પડી ગયું હતું, જેને બચાવવા પરિવારના સભ્યો તેમાં કૂદી પડ્યા હતા. ગામમાં પાણીની અછત હોવાથી પરિવારના સભ્યો અહીં કપડાં ધોવા ગયા હતા. અહીં બે મહિલાઓ કપડા ધોવા ગઈ હતી, આ દરમિયાન એક બાળક તેમાં પડી ગયું, જેને બચાવવા માટે મહિલા અંદર કૂદી પડી અને આ અકસ્માતમાં તમામ ૫ લોકોના મોત થયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અહીં એક મહિલા અને તેની પુત્રવધૂ કપડાં ધોતા હતા. મહિલાના ત્રણ બાળકો અહીં નજીકમાં બેઠા હતા. આ દરમિયાન એક બાળક લપસીને પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે પરિવારના સભ્યો એક પછી એક કૂદી પડ્યા અને તેમાં ડૂબીને જીવ ગુમાવ્યો હતો. બાળકને બચાવવા ચાર લોકો તેમાં કૂદી પડ્યા હતા, પરંતુ આ તમામ લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ ડોમ્બિવલિ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમના મૃતદેહને શાસ્ત્રીનગર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ જે રીતે આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા છે, તે પછી ગામમાં શોકનો માહોલ છે. એક સાથે ૫ મોત થતા ગામ હિબકે ચડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *