Gujarat

લંડનમાં હેરો અને બ્રેન્ટ કાઉન્સીલની ચુંટણીમાં ૫ કચ્છીઓની જીત

ભુજ
લંડનમાં પાંચમી મે ના સ્થાનિક કાઉન્સીલની ચુંટણી યોજવામાં આવી હતી, જેના પરિણામો જાહેર થયા છે. જેમાં કચ્છ માટે ગર્વની વાત એ છે કે, ૫ કચ્છીઓએ લંડનમાં હેરો અને બ્રેન્ટ કાઉન્સીલની ચૂંટણીમાં સારી એવી સરસાઈથી જીત મેળવી છે. એમા નવાઇની વાત એ છે કે ૪૫ વર્ષથી લેબર પાર્ટીનો કબ્જાે હતો તેવી સીટો પર કચ્છીઓ કન્ઝર્વેટીવ પાર્ટીમાંથી ચૂંટાઇને આવ્યા છે ! જાણવા મળતી માહિતી પ્રમાણે, લંડનમાં પાંચમી મે ના સ્થાનિક કાઉન્સીલની ચૂંટણી અંગે મતદાન યોજવામાં આવ્યું હતું. અહીં કુલ ૮ મૂળ કચ્છી ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જેને લઈને ૧૫ હજાર કચ્છીઓ સહિત કચ્છમાં વસતા સ્વજનો અને મિત્ર-વર્તુળમાં પણ ઉત્સાહ જણાઈ આવ્યો હતો. ૫ મીએ મતદાન બાદ ૬ તારીખે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં આશ્ચર્યજનક પરિમાણો આવ્યા છે. ૧૨ વર્ષમાં પ્રથમ વખત હેરો કાઉન્સિલ હવે કન્ઝર્વેટિવ પાર્ટીના નિયંત્રણ હેઠળ છે. કન્ઝર્વેટિવોએ હેરોમાં શાનદાર વિજય મેળવ્યો, મતદારોએ ૩૧ કન્ઝર્વેટિવ્સને ચૂંટ્યા છે અને લેબર પાર્ટીને પાછળ છોડી મૂકી દીધી છે લેબર પાર્ટીને ૨૪ બેઠકો મળી હતી. હેરો કાઉન્સીલમાં ૩ કચ્છી ઉમેદવારો નિતેશ હિરાણી (માંડવી), અને ચેતના હાલાઈ (માધાપર) કેન્ટન ઇસ્ટમાંથી જ્યારે કાંતિ પિંડોરિયા (વાડાસર) કેન્ટન વેસ્ટમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટણી જીત્યા અને બ્રેન્ટ કાઉન્સિલમાં ૨ કચ્છી ઉમેદવારો જયંતિ પટેલ (કેરાઈ) (કુન્દનપર) કવેન્સ બરીમાંથી અને સુનીતા હિરાણી કેન્ટનમાંથી જંગ જીત્યા છે. નિતેશ હીરાણી બીજીવાર ચૂંટાયા છે અગાઉ તેઓએ રસ્તા, વોક વે, સફાઈ સહિતના મુદ્દે તેમજ વાહનોની ગતિમર્યાદા મુદ્દે પણ સારા એવા કાર્યો કર્યા છે. નવનિયુક્ત કચ્છી કાઉન્સિલરોએ વિકાસનો કોલ આપ્યો હતો.ચેતના હાલાઇ, કાંતિ પિંડોરિયા અને નિતેશ હીરાણી, હેરો કાઉન્સીલની ચૂંટણી જીતી જતાં સ્થાનિકે તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના પગલે કચ્છી મતદારોમાં ખાસો એવો ઉત્સાહ જાેવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *