અમદાવાદ
બાપુનગર વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સામે તેમજ ૧૩૩ નંબરના એએમટીએસ બસ સ્ટેન્ડ સહિત આસપાસના વિસ્તારમાં કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરી અને અડ્ડો જમાવી દીધો હતો. ૧૩ જેટલા કોમર્શિયલ બાંધકામ, ૧૫ ક્રોસવોલ અને ૧૩ ઓટલાઓ એમ કરીને ૧૬૦૦ ચોરસમીટર જેટલી જગ્યામાં કરેલા દબાણને દૂર કરવા માટે સ્થાનિક કાઉન્સિલર પ્રકાશ ગુર્જર અને અશ્વિન પેથાણીએ એસ્ટેટ વિભાગને રજુઆત કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ૧૩૩ નંબરના બસ સ્ટેન્ડ અને આસપાસના વિસ્તારમાં રહેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણો દૂર કર્યા બાદ ત્યાં ફેનસિંગ કરવામાં આવી છે.શહેરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તેમજ કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદેસર કબજાે જમાવી દેનાર લોકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં જે રીતે બુલડોઝર ફેરવી અને બાંધકામ દૂર થયા છે તેમ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સામે વર્ષોથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૩૩ નંબરના બસ સ્ટેન્ડ પાસેની જગ્યામાં રહેલા દબાણને મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રકાશ ગુર્જર અને અશ્વિન પેથાણીએ દૂર કરાવ્યા છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને ફૂટપાથની જગ્યા પરના દબાણો દૂર કરી ૧૬૦૦ ચોરસમીટર જગ્યા ખુલ્લી કરી છે.