*ભારે વરસાદની શક્યતા વચ્ચે ઉભા પાકની સલામતી માટે કેટલાક સૂચનો*
અમરેલી, તા: ૨૫ ઓગસ્ટ ૨૦૨૦
અમરેલી જિલ્લામાં હાલમાં બીટી કપાસ અને મગફળી વાવેતર થયેલું છે. ત્યારે વધુ વરસાદની શક્યતાઓ ધ્યાને લઇ ઉભા પાકને બચાવવા જરૂરી છે. આવા સંજોગોમાં સતત વરસાદના લીધે પાણી ભરાઈ રહેતું હોય તો ઉભા પાકના ખેતરમાં ભરાઈ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવો તથા પાણીના નિકાલ માટે આગોતરું આયોજન કરવું. વરાપ થયેથી પુન આંતરખેડ કરવી જેથી પાકને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને પાક અને યોગ્ય વિકાસ થાય તથા સુકારા અને મૂળખાઈ જેવા રોગથી પણ બચાવી શકાય.
ખેડુતોએ બીટી કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જાણવા મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ (પાંચ)ની સંખ્યા પ્રમાણે ગુલાબી ઇયળનો નર ફુદા ને આકર્ષવા લ્યુર સાથેના ફેરોમેન ટ્રેપ ગોઠવવા અને ફૂદાં ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. ટ્રેપની ઘુર દર ૨૧ દિવસે બદલવી.
કપાસના ઉભા પાક ખેતરમાં ફૂલ-ભમરી બેસવાની શરૂઆત થાય ત્યારથી દર અઠવાડિયે છૂટા છવાયાં ૨૦ છોડ પરથી ફૂલ ભમરી જીંડવાની ગણતરી કરવી અને તેમાંથી જો ૧૦૦ ફૂલ-ભમરી જીંડવામાંથી પાંચ ફૂલ-ભમરી જીંડવામાં ગુલાબી ઇયળનું નુકશાન જણાય અથવા મોજણી અને નિગાહ માટે મુકેલ ટ્રેપ દિઠ ૮ (આઠ) ફૂદા પકડાય તો કીટનાશકોનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ ભમરી તોડી લઇ ઈયળ સહીત નાશ કરવો.
બીટી કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળ ની નુકશાન જણાય તો ક્ષમ્ય માત્રાને અનુલક્ષીને જંતુનાશક દવાનો છંટકાવ કરવો જેમા પ્રોફેનોફોસ ૨૦ ઈસી, ૨૦ મિલી અથવા ડેલ્ટામેથ્રીન 1% + ટ્રાયઝોફોસ ૩૬% ઇસી ૧૦ મિલી અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી, ૧૦ મિલી અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી,૧૦ મિલી અથવા ડેલામેશ્રીન ૧૬% +આલ્ફા-સાયપરમેથ્રીન 1% ઇસી, ૧૦ મિલી અથવા ક્લોરપાયરીફોસ ૨૦% + સાયપરમેથ્રીન 1% ઇસી, ૧૦ મિલી કીટનાશકને ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી પાકની અવસ્થા પ્રમાણે કીટનાશક પૈકી કોઇ એકનો છંટકાવ કરવો. જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા ૮૦ ગ્રામ, ૧૫ લીટર પાણીમાં અથવા લીંબોળીનું તેલ ૪૦ મિલી, ૧૫ લીટર પાણીમાં કોઈ પૈકી એકનો છંટકાવ કરવો.
કઠોળ, દિવેલા, તલ, શાકભાજી અને જુવાર ઘાસચારો વગેરે ઉભા પાકમાં પાણી ભરાયેલ હોય તો નિકાલ કરવો અને ઉભા પાકમાં રોગ ગ્રસ્ત અને નબળા સુકા છોડ ઉપાડી નાખવા. વરાપ થશે ઉભા પાકમાં આંતરખેડ કરવી અને હાથથી નિંદણમુકત રાખવું પાણી ભરાયેલ પાકમાં જરૂર જણાય તો વરાપ થયેલ અમોનિયમ સલ્ફટ(મોરસીયું) ૫૦ થી ૬૦ કિલો પ્રતિ હેક્ટરે આપવું.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિ.)/ નાયબ ખેતી નિયામક(તા.) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી. નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી અમરેલી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)


