પાટણ
વધુ પડતી ગરમી ના કારણે દેશ અને રાજ્ય માં આગ ના બનાવો માં વધારો જાેવા મળ્યો છે તેવામાં, પાટણ-ચાણસ્મા હાઇવે સ્થિત સંખારી ત્રણ રસ્તા પાસે આવેલી એક ગેરેજમાં રીપેરીંગ માટે આવેલી એક કારની ડેકીમાં આકસ્મિક આગ ભભુકી ઉઠી હતી. જેથી ગેરેજના માલિક અને કારીગર ગંભીર રીતે દાઝી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ પાટણ-ચાણસ્મા હાઇવે સ્થિત સંખારી ત્રણ રસ્તા પાસે પટેલ ગેસ કાર સીએનજી ઇન્સ્ટોલેશન સેન્ટરમાં એક કાર ચાલક પોતાની કાર રીપેરીંગ કરવા માટે મુકી ગયો હતો. આ દરમિયાન ગેરેજમાં કામ કરી રહેલા કારીગર પંકજ ઠાકોરે કારની પાછળની ડેકી ખોલતાની સાથે જ તેમાં આકસ્મિક આગ ભભુકી ઉઠી હતી અને જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા કારીગર પંકજ ઠાકોર ગંભીર રીતે દાઝી ગયો હતો. તેમજ ગેરેજ માલિક વિશાલ પટેલ કારીગરને બચાવવા જતા તેઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત કારીગરને સારવાર અર્થે જનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયારે ગેરેજ માલિકને મહેસાણાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
