ભરતપુર
ભરતપુર જિલ્લામાં, નવી કાર લઈને પરિવારના સભ્યોને જાણ કર્યા વિના ફરવા ગયેલા ત્રણ સગા ભાઈઓ સહિત પાંચ યુવાનોનું એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા. આ પૈકીના એક યુવકના આઠ દિવસ પહેલા લગ્ન થયા હતા. અકસ્માતના સમાચાર મળતા જ મૃતકોના ઘરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ સ્વજનોને સોંપી દીધો છે. અકસ્માતમાં યુવકની કાર સાથે અથડાતા બોલેરોમાં સવાર ચાર જણને ઈજાઓ પહોંચી હતી. અધિક પોલીસ અધિક્ષક રઘુવીર સિંહે જણાવ્યું કે, આ દર્દનાક અકસ્માત જિલ્લાના પહાડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બરખેડા ગામમાં બુધવારે રાત્રે થયો હતો. કાર અને બોલેરો વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. કારમાં પાંચ યુવકો અને બોલેરોમાં ચાર લોકો સવાર હતા. અકસ્માતમાં તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન, એએસઆઈ બાબુલાલ મીણા ગોપાલગઢ પોલીસ સ્ટેશન જતા હતા ત્યારે ઘાયલોને જાેયા અને તેમને પહાડી સીએચસીમાં દાખલ કર્યા. જે બાદ પહાડી પોલીસ પણ માહિતી મળતા હોસ્પિટલ પહોંચી હતી. સારવાર દરમિયાન કારમાં સવાર પાંચેય યુવકોના મોત નિપજ્યા હતા. પોલીસે પહાડીના આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પાંચેય મૃતકોના મૃતદેહ સંબંધીઓને સોંપી દીધા છે. તેમાંથી ત્રણ યુવકો સગા ભાઈઓ હતા. ચોથો તેનો પિતરાઈ ભાઈ હતો. પાંચમો તેમનો ભાણો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ યુવકો ૧૭ થી ૨૫ વર્ષની વયજૂથના હતા. મૃતકોમાં અરબાઝ, પરવેઝ અને વસીમ સગા ભાઈ હતા. જ્યારે આલમ તેના મામાનો પુત્ર હતો અને આશિક તેની બહેનનો પુત્ર હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવકો જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કાર તાજેતરમાં જ ખરીદી હતી. પરિવારના તમામ યુવકો બુધવારે રાત્રે ૮ વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ કર્યા વગર બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન બોલેરો સાથે કારની ટક્કર થઈ હતી અને અકસ્માતમાં પાંચેય યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા વસીમના આઠ દિવસ પહેલા લગ્ન થયા હોવાનું કહેવાય છે. હરિયાણામાં એક માર્ગ અકસ્માતમાં સમોદના જયપુર જિલ્લાના એક જ પરિવારના પાંચ લોકોના કરુણ મોત થયા હતા. પરિવારના વડીલના મૃત્યુ બાદ તેઓ ગંગામાં અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર અકસ્માત સર્જાયો હતો.