ટૂંક જ સમયમાં ચોમાસાનું આગમન થઈ વરસાદ પડશે ત્યારે આ રસ્તાની કેવી હાલત થશે તે વિચારી લોકો મુશ્કેલી મા મુકાયા છે
બોડેલી થી પાવીજેતપુર વચ્ચેનો રસ્તો સાવ ખંડેર થઈ ગયો હોય અને તેમાં પણ કુકનાં રણા ફળિયા પાસે રોડ ઉપર એટલા મોટા ખાડા પડી ગયા છે કે ત્યાંથી પસાર થતા જિલ્લાના વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
પાવીજેતપુર થી બોડેલી વચ્ચેનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી સાવ ખખડધજ થઇ ગયો છે. અને તેમાં પણ સુસ્કાલ નજીક આવેલા રણા ફળિયા પાસે રોડ ઉપર એવા મોટા બે ત્રણ ખાડા થઈ ગયા છે કે ત્યાંથી પસાર થતા વાહનચાલકો ગમે તેટલા પ્રયત્નો કરે છતાં એ ખાડામાં પોતાનું વાહન પડવાથી બચાવી શકતા નથી. રસ્તા ઉપર એટલા મોટા ખાડા છે કે બાઈક ચાલકો અજાણતા ઘણીવાર એ ખાડામાં પટકાય છે. અને અવારનવાર ગંભીર અકસ્માતો થયા કરે છે તો કેટલીકવાર ખાડામાં પોતાનું વાહન પડતું બચાવવા માટે પણ વાહન ને બાજુ પર લઇ જતા અકસ્માતો સર્જાય છે. અવારનવાર અકસ્માતો સર્જાતા હાથ, પગ તૂટવા ફેક્ચર થવા જેવા બનાવો બને છે. તો શું તંત્ર કોઈ જાનહાની થયા પછી આ રસ્તાનું રીપેરીંગ કામ કરાવશે ? આવા વેધક સવાલો જનતામાંથી ઉઠી રહ્યા છે.
પાવીજેતપુર થી બોડેલી વચ્ચેના રસ્તા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હોવા છતાં ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં સુધી રોડનું કામ કરવામાં આવ્યું નથી. ટૂંક જ સમયમાં ચોમાસાનું આગમન થઈ વરસાદ પડશે ત્યારે આ રસ્તાની કેવી હાલત થશે તે વિચારી લોકો કાંપી રહ્યા છે. તો તંત્ર તાત્કાલિક નવીન રસ્તો ન બનાવી શકે તો રસ્તા ઉપર પડી ગયેલા મોટા ખાડાઓમાં પુરાણ કરે જેથી આવનાર ચોમાસામાં વધુ તકલીફ નો સામનો જનતાને કરવો ન પડે એમ છોટાઉદેપુર જિલ્લાની જનતા ઈચ્છી રહી છે. આ રસ્તા ઉપર થી છોટાઉદેપુર જિલ્લાની સાથે સાથે મધ્યપ્રદેશના વાહનો પણ પસાર થાય છે. રોજના હજારોની સંખ્યામાં પસાર થતા વાહનોના કારણે તેમજ ઓવર લોડેડ રેતી થી ભરેલી ટ્રકો ના કારણે રસ્તો વધુ ખસતા થઈ રહ્યો છે. તો તંત્ર ઘટતું કરે તે જરૂરી થઇ ગયું છે બોડેલી થી પાવીજેતપુર વચ્ચેના રોડ ઉપર કુકના પાસે ખાડા પડી જતા વાહનચાલકો ત્રાહિમામ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
