પંજાબ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કર્યું કે, પંજાબ ઈ ગવર્નન્સ તરફ આગળ વધી રહ્યું છે! કારણ કે… અમે સરકારી કચેરીઓમાં ફાઈલોનો ભાર ઘટાડવા અને તેને ઈ ઓફિસ તરફ લઈ જવા માટે સતત કામ કરી રહ્યા છીએ. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સરકારી સુવિધાઓને લોકોના ઘર સુધી પહોંચાડવા પરંપરાગત ફાઇલ સિસ્ટમને ઘટાડીને તમામ કામ ઓનલાઈન લાવવાનો નિર્દેશ આપ્યો છે. તેનાથી સરકારી કામોમાં ડિજિટાઈઝેશન વધશે. સત્તાવાર કાર્યમાં વધુ પારદર્શિતા લાવવા ઉપરાંત, આ પગલું તમામ સેવાઓને સમયસર પૂર્ણ કરવાની દિશામાં પણ મહત્વપૂર્ણ છે. પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યભરમાં ૫૨૬ સેવા કેન્દ્રો દ્વારા ૧૨૨ ઓનલાઈન સેવાઓ પણ શરૂ કરી હતી. પ્રવક્તાએ માહિતી આપી હતી કે, મુખ્યપ્રધાન માન એ સુનિશ્ચિત કરવા માટે શાસન સુધારણા વિભાગને નિર્દેશ આપ્યો છે કે, સેવા કેન્દ્રોના કાર્યક્ષેત્રમાં ઓછામાં ઓછી ૧૦૦ વધુ સેવાઓનો સમાવેશ કરવામાં આવે. નાગરિક સેવાઓને એમ-સેવા અને પંજાબ સરકારના પોર્ટલ પર પણ લાગૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈપણ નાગરિક સેવા કેન્દ્રની મુલાકાત લીધા વગર પણ ડિજિટલ રીતે સેવાઓ માટે અરજી કરી શકે.પંજાબ સરકાર હવે સરકારી ઓફિસોના કામ કરવાની રીતમાં મોટો ફેરફાર લાવવા જઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે સરકારી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે સરકારી કચેરીઓમાં ફાઈલોને બદલે ઓનલાઈન કામ કરવા અંગે ચર્ચા કરી હતી. એક મહત્વના ર્નિણયમાં તેમણે તમામ સરકારી અધિકારીઓને ઈ ઓફિસને પ્રોત્સાહન આપવા જણાવ્યું જેથી કામમાં વધુ પારદર્શિતા આવી શકે.
