ઘરે ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું
કોરોના મહામારી અને લોકડાઉનના લીધે શારીરિકની સાથે આર્થિક માર પણ સહન કરવો પડો છે.લોકડાઉન બાદ અનેક પરિવારોની આર્થિક હાલત કફોડી બની જવા પામી છે. આ ઓછું હતું તો છેલ્લા બે માસથી મોંઘવારી જે હદે વધી છે તેમાં મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવા પડકાર બની રહ્યો છે. આ સ્થિતિમાં અનેક પરિવાર આર્થિક ભીંસમાં ઘેરાયા છે ત્યારે કેટલાક પરિવારના મોભી આપઘાત જેવું આઘાતજનક પગલું ભરતા પણ અચકાતા નથી.જેતપુરનાં સોડાનાં જાણીતા વેપારીએ ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી જીવનનો અતં આણ્યો છે.
બનાવ મુજબ જેતપુર શહેરનાં તેજાકાળા પ્લોટમાં રહેતા આર. આર સોડા (કોલ્ડ્રિંકસ) નાં વેપારી રાજેશ ઉર્ફે ગોપો વસંતભાઈ જયસ્વાલ ઉ.મ 48 નામના વેપારીએ સવારના સાત વાગ્યાના સુમારે પોતાના ઘરે એકલતાનો ગેરલાભ લઈને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વેપારીનો મૃતદેહ પીએમ માટે જેતપુર સિવિલમાં ખસેડ્યો હતો.
પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, વેપારી સોડા (કોલ્ડ્રિંક્સ) નું કામ કરતા હતા છેલ્લા થોડા સમયથી ધંધો બરાબર ચાલતો ન હોય આર્થિક ભીંસથી કંટાળી વેપારીએ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.