વડોદરા
વડોદરા શહેરમાં રહેતા ધ્રુવે કોરોનામાં માતા અને પિતા બંને ગુમાવ્યા છે, તો નીરવના પિતાનું અગાઉ મૃત્યું થઈ ચૂક્યું હતું અને કોરોનામાં માતા ગુમાવી હતી. કિશોર વયે માતા- પિતાની છત્રછાયા ગુમાવવાથી જીવનમાં ઝંઝાવાત સર્જાવો સ્વાભાવિક છે. જીવનનો જાણે કે લય ખોરવાઈ જાય છે અને પ્રત્યેક નવી સવાર નવા સવાલો અને નવી સમસ્યાઓ લઈને આવે છે. વડોદરા શહેરના ધ્રુવ કહાર અને નીરવ રોહિતે આ જીવન ઝંઝાવાતનો અનુભવ કર્યો છે અને કરી રહ્યાં છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશના બાળકો માટે પિતૃવત્સલ સંવેદનામાંથી પ્રગટેલી પીએમ કેર્સ યોજનાએ આ બંને કિશોરના જીવનમાં જાણે કે આશાનું કિરણ પ્રગટાવ્યું છે અને બધું સારું થશેની નવી ચેતનાનો સંચાર કર્યો છે. કોરોનાએ ધ્રુવના માતા અને પિતા, બંનેનો ભોગ લીધો અને હૂંફાળી છત્રછાયા છીનવી લીધી. નીરવના પિતાનું અગાઉ મૃત્યું થઈ ગયું હતું અને કોરોના માતાને પણ ભરખી ગયો. જીવનની વિષમતાઓ એ બંને ને ઘેરી લીધા હતા. હાલમાં બંને બારમા ધોરણમાં ભણે છે. પહેલો અને જટિલ પ્રશ્ન તો શિક્ષણ કેવી રીતે આગળ વધારવું એ હતો. તે પછી જીવન થાળે કેવી રીતે પાડવું એ પણ મોટો પ્રશ્નાર્થ હતો. હવે આ યોજના હેઠળ બંને ને ૧૦-૧૦ લાખ રૂપિયા મળવાના છે. બંને પ્રધાનમંત્રી અને ભારત સરકારનો આ સ્નેહ અને સંવેદનાસભર યોજના માટે હૃદયથી આભાર માને છે.તેમનું પ્રથમ ધ્યેય આ સહાય થી શિક્ષણ આગળ વધારવાનું છે અને હવે તેમને તેમનું જીવન થાળે પડવાનો વિશ્વાસ જાગ્યો છે.કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે શરૂ કરાયેલી પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ વડોદરા શહેરના બે કિશોરને ૧૦-૧૦ લાખ રૂપિયા મળશે.
