ભરૂચ
ભારત દેશમાં ખૂબ પ્રાચીન ઐતિહાસિક વસ્તુઓ અને શિલ્પકલાઓ, રહેલી છે અને તેની પાછળ કોઈ કહાની છે જે તેની સચ્ચાઈ સામે લાવે છે ત્યારે ભરૂચ એક ઐતિહાસિક નગર છે. કાશી બાદ સૌથી જૂના નગર તરીકે ભરૂચને ઓળખવામાં આવે છે. ભરૂચમાં સોનાના નામે ત્રણ વસ્તુઓ ખુબ પ્રચલિત છે. ગોલ્ડન બ્રિજ, સોનેરી મહેલ અને સોનાનો પથ્થર. નર્મદા નદી ઉપરનો બ્રિજ સોનાનો પુલ એટલે કે ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખાય છે. જૂના ભરૂચના એક સમયના જાહોજલાલી વાળા વિસ્તારને સોનેરી મહેલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ તમામની સાથે એક પથ્થર છે, જેને સોનાના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. આ પથ્થર હકિકતમાં સોનાનો નથી છતાં તેને કેમ સોનાના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. જેની વિસ્તારથી વાત કરીએ. વર્ષ ૧૮૭૦માં ચુનાર વાડાથી જૂના બજાર સુધી જવા માટે અંગ્રેજ રસ્તો બનાવ્યો. જે દેસાઇજીના જૂના ઘર સુધી આવ્યો. જે રસ્તાને લાલ બજાર લઇ જવો હોય તો દેસાઇજીની હવેલીનો કેટલોક હિસ્સો પાલિકાએ લેવો પડે. તે સમયે દેસાઈ પરિવારે એક પણ રૂપિયો લીધા વગર કેટલીક જગ્યા સરકારને આપી હતી. હવે વાત આવે છે આ પથ્થરની. રસ્તો બનાવવા હવેલીની ખાનગી જગ્યા તો સરકારને આપી, પણ ત્યાંથી વાહન વ્યવ્હાર પસાર થતાં અને લોકોની અવર જવર શરૂ થતાં દેસાઇ પરિવારને લાગ્યું કે હવેલીના ખુણાના ભાગને નુકસાન થઇ શકે છે. જેથી દેસાઇ પરિવારે એક મોટો પથ્થર ત્યાં ઉભો કરી દીધો. પરંતું સરકારને આ પથ્થર નડતરરૂપ લાગતા દેસાઇ પરિવારને આ પથ્થર હટાવવા એક નોટિસ આપી પણ હવેલીના રહેવાસીઓએ ના પાડી. વાત અહીં ન અટકતાં પથ્થર હટાવા મુદ્દે કોર્ટમાં કેસ ચાલ્યો, જે કેસ શરૂઆતમાં ભરૂચ શહેરમાં ચાલ્યો પણ દેસાઇ પરિવાર આ કેસ હારી ગયો. ત્યારબાદ હાર ન માનતા દેસાઈ પરિવારના કલ્યાણરાય દેસાઈ તથા તેમનો પરિવાર બ્રિટિશ કોર્ટમાં ગયો. જ્યાં વર્ષ ૧૮૭૫થી ૧૮૯૫ સુધી એટલે કે ૨૦ વર્ષ જેટલો સમય કેસ ચાલ્યા બાદ આખરે દેસાઇ પરિવારની જીત થઇ. આ પથ્થર એક સાદો છે, પણ તે સોનાનો એટલે થઇ ગયો કે, આ પથ્થરને ત્યાંથી ન હટાવવા પાછળ દેસાઇ પરિવારને એટલો ખર્ચ થયો કે તે ખર્ચની રકમમાં સોનાનો પથ્થર બની જાય, ત્યારથી આ પથ્થર સોનાના પથ્થર તરીકે ઓળખાવા લાગ્યો છે. આજે પણ આ પથ્થર આજ સ્થળે સ્થાપિત છે. તાજેતરમાં હેરિટેજ વોક શરુ કરવામાં આવી જેમાં આ પથ્થરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા પણ આ પથ્થરને ઐતિહાસિક ધરોહર તરીકે જાહેર કરી તેની જાળવણી કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પાછલા કેટલાક સમયથી આ ઐતિહાસિક ધરોહરની આસપાસ કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જાેવા મળી રહ્યું છે. જે અંગે સ્થાનિક રહીશોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.