મુંબઈ
બોલીવુડથી એક અત્યંત દુઃખદ સમાચાર આવ્યા. જાણીતા સિંગર કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)નું મંગળવારે રાતે એક સ્ટેજ શો દરમિયાન હાર્ટ એટેક આવતા નિધન થયું. કેકેને કોલકાતાના ઉલ્ટાડાંગામાં ગુરુદાસ મહાવિદ્યાલયના નજરુલ મંચ પર કોન્સર્ટ દરમિયાન એટેક આવ્યો. હોસ્પિટલ લઈ જતા પહેલા જ તેમનું નિધન થઈ ગયું. ગાયક કેકેની અંતિમ પળો પણ ગમે તેવા કઠણ હ્રદયના કાળજાવાળા માનવીને હચમચાવી નાખે તેવી હતી. મંચ પર પ્રદર્શન દરમિયાન જ સિંગર કેકેની તબિયત ખરાબ થઈ હતી. ત્યારબાદ તેમણે સ્પોર્ટલાઈટ બંધ કરવા કહ્યું. તેઓ વારંવાર કહેતા રહ્યા કે તેમની તબિયત બરાબર નથી. ખુબ ગરમી લાગે છે. ત્યારબાદ કેકે હોટલ જતા રહ્યા. પરંતુ સીડી ચડતા ચડતા અચાનક ગબડી પડ્યા. તેમને તરત કોલકાતા મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (સીએમઆરઆઈ) લઈ જવાયા પરંતુ તે પહેલા જ તેમનું નિધન થઈ ગયું. સિંગર કેકેના નિધનથી લોકો આઘાતમાં સરી પડ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી અરુપ વિશ્વાસ જાણકારી મળતા જ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યું કે હું ઓફિસથી ઘરે આવતો હતો ત્યારે મને હોસ્પિટલથી ફોન આવ્યો. મને ખબર પડી કે તેમને અહીં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. હું તેમના પરિવાર સાથે વાત કરી રહ્યો છું જે મુંબઈથી આવી રહ્યા છે. સિંગર કેકેના ગીતો દરેક પેઢીના લોકોને ખુબ પસંદ પડતા હતા. તેમણે માચિસ ફિલ્મના ગીત ‘છોડ આયે હમ વો ગલીયા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પણ અસલ ઓળખ તો ‘હમ દીલ દે ચૂકે સનમ’ ફિલ્મના ‘તડપ તડપ’ ગીતથી મળી. આ ગીતે તેમને દેશ વિદેશમાં જબરદસ્ત ખ્યાતિ અપાવી. કેકે નો જન્મ ૨૩ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેમણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલિયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત ગાયા હતા. કેકેની વિદાયથી તેમના ચાહકો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. તેમને હજુ પણ વિશ્વાસ નથી થતો કે કેકે તેમની વચ્ચે નથી.