ગાંધીનગર
ગાંધીનગરના માણસાના નજીકના એક ગામમાં બે વર્ષ અગાઉ પરિણીતાના લગ્ન થયા હતા. ત્યારે કેટલાય અરમાનો સાથે લગ્ન જીવનના હક્કો ભોગવવા સાસરીમાં પહોંચેલી પરિણીતાને રૂઢિ ચુસ્ત રિવાજાેનું અચૂક પાલન કરવાની સાસરિયા તરફથી સૂચના આપી દેવાઈ હતી. પિયરમાં મુક્ત મને સમાજના કુરિવાજાેનાં બંધન વિના ઉછેરેલ પરિણીતા સાસરીમાં જતાં જ જૂનવાણી સાસરિયાની માનસિકતામાં કેદ થઈ ગઈ હતી. પરિણીતાએ આખરે બધું સરખું થઈ જશે તેમ મન મનાવી ઘરસંસાર શરૂ કર્યો હતો અને આ લગ્ન જીવનથી હાલમાં તેણીને ૧૪ મહિનાનો દીકરો પણ છે. ઘરસંસારમાં રૂઢિચુસ્ત પરિવારમાં સામાજિક બંધનો વચ્ચે જીવતી પરિણીતાની ચૂપકીદીથી સાસરિયા વધુને વધુ પ્રતિબંધો લાદવા લાગ્યા હતા. એટલે સુધી કે પિયરમાં સારા નરસા પ્રસંગે જવાનું થાય તો પણ નવજાત દીકરાને સાસરીમાં મૂકીને જવા દેવામાં આવતી હતી. જેનાં પાછળનો સાસરિયાંનો એક જ મલિન ઈરાદો રહેતો કે પુત્રવધૂ દીકરીના કારણે પિયરમાં રાતવાસો કર્યા વિના જલ્દીથી પરત આવી જાય. આ બાબતે પરિણીતા કંઈ વિરોધ કરે તો તેને શારીરિક માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો. આમ ને આમ બે વર્ષ વીતી ગયા પણ સાસરિયાંના સ્વભાવમાં કોઈ ફરક આવ્યો નહીં. એમાંય પતિ પણ સસરા દ્વારા લાદવામાં આવેલી પાબંધીઓ સામે નતમસ્તક રહેતો હતો. તાજેતરમાં જ પરિણીતાની માતા બીમારીમાં સપડાઈ હતી. એટલે દર વખતની જેમ પરિણીતા દીકરાને સાસરીમાં મૂકીને પિયરમાં ગઈ હતી. જ્યાં માતાની તબિયત વધુ ખરાબ હોવાથી તેને ત્યાં જ રોકાઈ જવું પડ્યું હતું. બે દિવસ પછી માતા થોડી સ્વસ્થ થતાં પરિણીતા પરત સાસરીમાં ગઈ હતી. જ્યાં પહોંચતા જ સસરાએ ઘરનો ઉંબરો નહીં ચઢવાનો આદેશ આપી દીધો. તો પતિએ પણ સીધી છૂટાછેડા આપી દેવાની સૂચના આપી હતી. જેથી પિયરમાં માતાની નાદુરસ્ત તબિયતના કારણે ત્યાં જવું યોગ્ય નહીં લાગતાં આખરે પરિણીતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કરવામાં આવે છે. આ કોલ મળતા જ મહિલા ટીમ પરિણીતાને લઈને તેની સાસરીમાં પહોંચી ગઈ હતી. જ્યાં કુનેહપૂર્વક રૂઢિચુસ્ત સ્વભાવના સસરા તેમજ તેમના આદેશોનું પાલન કરતા પતિનું કલાકો સુધી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ સ્ત્રી કાયદાઓ બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા. ત્યારે જઈને સાસરિયાંને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો અને તેમણે પુત્રવધૂનો સ્વીકાર કરી લઈ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે તેની બાંહેધરી પણ આપી હતી. આમ વધુ એક વખત ૧૮૧ અભયમ ટીમની સરાહનીય કામગીરીના કારણે એક ઘર સંસાર તૂટતાં બચી ગયો છે.