કતર
કતરના પ્રિન્સની પૂર્વ પત્ની ડ્રગના ઓવરડોઝના કારણે પોતાના જ ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. ૭૩ વર્ષીય અરબપતિ અબ્દેલ અઝીજ બિન ખલીફા અલ થાનીની ત્રીજી પત્ની કાસિયા ગેલાનિયોનો મૃતદેહ તેમના માર્બેલા સ્થિત ઘરમાંથી મળી આવ્યો છે. કાસિયા એ તાજેતરમાં પ્રિન્સ પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા હતા. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે. અબ્દેલ અઝીજ બિન અલીફા અલ થાની કતરના નાણામંત્રી પણ રહી ચૂક્યા છે. કાસિયાની ઉંમર ૪૫ વર્ષ હતી. તેમની તેમના પૂર્વ પતિ સાથે બાળકોની કસ્ટડી માટે કાનૂની લડાઈ ચાલી રહી હતી. મળેલી જાણકારી અનુસાર તેમની સૌથી નાની પુત્રી પેરિસમાં રહે છે. ગેટકીપરે કેટલાક પોલીસકર્મીઓને માર્બેલા સ્થિત એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે આઠ વાગ્યે આવવા દીધા હતા. સ્પેનના પોલીસકર્મીઓએ એપાર્ટમેન્ટમાં જઈને જાેયુ તો કાસિયા ગેલાનિયોનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ડ્રગના ઓવરડોઝના કારણે કાસિયા ગેલાનિયોનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું કારણ જાણી શકાશે. હત્યા કરવામાં આવી છે કે, દુર્ઘટના સર્જાઈ છે તે અંગે તપાસ કરવામાં આવશે. અહી નોંધનીય છે કે, કાસિયા ગેલાનિયોએ તેના પૂર્વ પતિ અબ્દેલ અઝીજ બિન અલીફા અલ થાની પર આરોપ મુક્યો હતો કે, તેણે એક સગીરાને અયોગ્ય રીતે ટચ કર્યું હતું. જ્યારે અબ્દેલ અઝીજ બિન અલીફા અલ થાનીએ આ તમામ આરોપોને નકારી દીધા હતા. અને આ પરિસ્થિતિમાં કાસિયા ગેલાનિયોના મોતની ખબર સામે આવી છે. કાસિયાને ૧૭ વર્ષની બે જુડવા પુત્રીઓ છે. શરૂઆતમાં તે અલ થાની સાથે રહેતી હતી. ત્યાર બાદ બંને પુત્રીઓએ તેમની માં કાસિયા ગેલાનિયો સાથે રહેવાનો ર્નિણય કર્યો હતો. કાસિયાની ત્રીજી ૧૫ વર્ષીય પુત્રી પિતા સાથે પેરિસમાં રહે છે. ૧૯ મે ના રોજ કોર્ટે બાળકોની કસ્ટડીની માંગને ફગાવી દીધી હતી. છેલ્લા ૧૫ વર્ષથી કસ્ટડીને લઈને કેસ ચાલી રહ્યો છે.