Gujarat

ભાણવડમાં પેટ્રોલ પંપ પર ચોરી કેસમાં ફરિયાદી જ આરોપી નીકળતાં, પોલીસે ગુનો નોંધ્યો

જામનગર
લો બોલો.. ફરિયાદી જ આરોપી નીકળતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચાર મચી ગયો હતો, જીલ્લા ના ભાણવડ પંથકમાં પેટ્રોલ પંપ ધરાવતા એક આસામીની રોકડ રકમ લૂંટ થવાના પ્રકરણમાં ફરિયાદી જ આરોપી નીકળતાં ચકચાર મચી જવા પામી છે. જેથી આ સંદર્ભે પોલીસે પેટ્રોલ પંપ સંચાલકના પુત્ર એવા આ શખ્સ તથા તેના મળતિયાઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ તારીખ ૩૦મીના રોજ ભાણવડ વિસ્તારમાં પેટ્રોલ પમ્પ ધરાવતા અને રાજકીય અગ્રણી ગિરધરભાઈ વાઘેલાના પુત્ર પૃથ્વીરાજ વાઘેલા પોતાની સ્વીફ્ટ મોટરકાર લઈને નીકળ્યા હતા. જ્યાં ચાર પાટીયા પાસે બાઇકમાં ધસી આવેલા બુકાનીધારી ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની મોટરકારને અટકાવી, વેરાવળ ખાતે આંગડિયા પેઢીમાં જમા કરાવવા માટે લઈ જવામાં આવતી રૂપિયા નવ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. તેમજ મોટરકારની ચાવી લઈને નાસી ગયા હોવા અંગેની જાણ પોલીસને કરાઈ હતી. આ ઘટના ના અનુસંધાને સ્થાનિક પોલીસ સાથે એલ.સી.બી., ડીવાયએસપી, સહિતના પોલીસ સ્ટાફ દ્વારા લૂંટારાઓની વ્યાપક શોધખોળ કરવામાં આવી હતી. આ ઉપરાંત નાકાબંધી તેમ જ સીસીટીવી ફૂટેજ વિગેરે અંગેની કાર્યવાહી છતાં પણ લૂંટારાઓના કોઈપણ પ્રકારના સગડ ન મળતા પોલીસને ઉપજેલી શંકાના આધારે ફરિયાદી પૃથ્વીરાજ વાઘેલાની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી, જેના પગલે આ શખ્સ ભાંગી પડ્યો હતો અને તેણે ઉપરોક્ત રોકડ રકમ ગુપચાવી લેવા માટે લૂંટનું તરકટ રચ્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. આ રકમ તેણે પોતાના મિત્રને આપી દીધી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે જે-તે સમયે પોલીસે ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષિય પૃથ્વીરાજ ગિરધરભાઈ વાઘેલા સામે નિવેદન નોંધવા સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. આ સાથે પોલીસે રૂપિયા નવ લાખની રોકડ રકમ તેમજ રૂપિયા બે લાખની કિંમતની મોટરકાર કબજે લઇ અને તાકીદની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે ભાણવડના તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. એન.એચ. જાેશી દ્વારા કોર્ટ પાસે પરવાનગી માંગતા તેમને કોર્ટની મંજૂરી સાંપડી છે. હવે આ અંગેની ફરિયાદ સહિતની કાર્યવાહી તેમજ આરોપીની અટકાયત વિગેરે અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ તપાસનીશ અધિકારી નિકુંજ જાેશીએ જણાવ્યું હતું. આ સમગ્ર પ્રકરણ જિલ્લાભરમાં તેમજ રાજકીય વર્તુળો અને પોલીસ બેડામાં ભારે ચર્ચાસ્પદ બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *