જૂનાગઢ
જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં નબીરાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે જેમાં ગામ ના એક યુવકે ઘર પાસે બાઈક રેસ કરવાની ના પાડી હતી. જેનું મનદુઃખ રાખી સાત શખ્સોએ ઘરમાં ઘુસી યુવક ઉપર છરી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. એ સમયે યુવકના માતા-પિતા વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો. આ અંગે ફરીયાદ કરતા કેશોદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં રણજીતનગર વિસ્તારમાં રહેતો પરબત માધવજીભાઈ ચાવડા (ઉ.વ.૨૮) મિત્રના લગ્નમાંથી આવી ઘર બહાર નીકળ્યો હતો. એ સમયે તેના ઘર પાસે શેરીમાં જૂનાગઢનાં ધરાનગરમાં રહેતા વિજય ચુડાસમા બાઈક રેસ કરતો હતો. આથી પરબતે બાઇક રેસ કરવાની ના પાડી ત્યાંથી જતા રહેવા કહ્યુ હતું. ત્યારબાદ અન્ય ત્રણ બાઈકમાં અજાણ્યા સાત શખ્સોએ ઘસી આવેલ ત્યારે પરબત તેના ઘરમાં જતો રહ્યો હતો. જેથી વિજય ચુડાસમા અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી જઈ વિજય અને અન્ય બે શખ્સો પાસે રહેલી છરી અને અન્ય શખ્સ પાસે પાઇપ હોવાથી આ શખ્સોએ પરબત ઉપર છરી અને પાઇપ વડે હુમલો કરતા તે ગંભીર રીતે ઘવાયો હતો. આ સમયે પુત્રને બચાવવા માટે માતા-પિતા વચ્ચે પડતાં તેમને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હોબળાના કારણે આસપાસના લોકો એકત્ર થઈ જતા હુમલાખોર શખ્સો નાસી ગયેલ અને જતા જતા ધમકી પણ આપી હતી. હુમલા પછી કબાટમાં તપાસ કરતા તેમાં રહેલા રૂપિયા ૩૦ હજાર જાેવા નહોતા મળ્યા. હુમલામાં ઘવાયેલા પરબતને કેશોદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. આ હુમલામાં પરબતે વિજય ચુડાસમા સહિત અન્ય સાત શખ્સો સામે ફરિયાદ કરતાં કેશોદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
