સુરેન્દ્રનગર
હળવદ પંથકમાં ચોરો ની ટોળકી બેફામ બની હોય તેવો વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદના કવાડિયા ગામે ખેડૂતના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂત પરિવારને ફળિયામાં ઊંઘતો રાખી મકાનના પાછળના ભાગે બારી તોડી તસ્કરો કળા કરી ગયા હતા. તસ્કરોએ અન્ય એક મકાનને પણ નિશાન બનાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઘરફોડ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના કવાડિયા ગામે રહેતા ખેડૂત અજીતસિંહ પરમાર તેમના પરિવાર સાથે મકાનની બહાર ફળિયામાં સુતા હતા. ત્યારે તસ્કરો તેમના મકાનમાં ત્રાટક્યા હતા અને તસ્કરોએ આ ખેડૂત પરિવારને ફળિયામાં સૂતો રાખી મકાનના પાછળના ભાગની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઉસેડી ગયા હતા. આ પરિવાર સવારે જાગ્યો ત્યારે ખબર પડી હતી કે, ઘર સાફ થઈ ગયું છે. ચોરીનો ભોગ બનનારા ખેડૂત અજીતસિંહ પરમારના જણાવ્યા મુજબ બાજુમાં રહેતા તેના કાકા ઘરમાં પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. પણ એમાં કારીગરી ફાવી ન હતી. એટલે કાકા ઘરમાં ચોરી થઈ નથી. પણ તેમના ઘરમાંથી આશરે ૧૦ થી ૧૫ તોલા સોનુ, ૭૦૦ ગ્રામ ચાંદી અને ૨૧ હજારની રોકડની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. હાલમાં તેઓ આ બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા છે. હળવદમાં વારંવાર ચોરીના બનાવોને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.