ચેન્નાઈ
દુબઈ થી ચેન્નાઈ આવેલા પ્લેનના ટોઈલેટમાં દાણચોરી કરીને લઈ જવામાં આવતા ૬૦ સોનાના બિસ્કિટ મળી આવ્યા છે, જેની કિંમત લગભગ ૪.૨૧ કરોડ રૂપિયા છે. કસ્ટમ વિભાગના અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા સોનાનું વજન નવ કિલોગ્રામથી વધુ છે. અહી જાહેર કરાયેલી એક સત્તાવાર રીલીઝ મુજબ, વિદેશી માર્કાની સોનાની લગડીઓ ઉપરાંત અધિકારીઓએ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોઈલેટમાંથી સોનાની ઈંટો પણ મેળવી છે. રીલીઝ અનુસાર, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ હેઠળ કુલ ૯.૦૨ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત લગભગ ૪.૨૧ કરોડ રૂપિયા છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. અન્ય એક ઘટનામાં, કસ્ટમ અધિકારીઓએ દુબઈના ૬૧ વર્ષીય પેસેન્જર પાસેથી આશરે રૂ. ૨૫.૮૭ લાખની કિંમતની સોનાની લગડીઓ રિકવર કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુસાફર તમિલનાડુના પુડુકોટ્ટાઈ જિલ્લાનો રહેવાસી છે અને તેમણે કબૂલ્યું હતું કે, તે સામાનમાં રાખેલી ટૂલ કીટમાં છુપાવીને ૧૧ સોનાની લગડીઓ લાવી રહ્યો હતો.