નવીદિલ્હી
પયગંબર પર નૂપુર શર્માની ટિપ્પણીનો વિરોધ દેશની સાથે વિદેશમાં પણ થઈ રહ્યો છે. હવે કુવૈતની ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર ભારતીય પ્રોડક્ટ્સ વિરુદ્ધ લગાવવામાં આવેલી નોટિસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તો બીજા વીડિયોમાં ભારતીય વસ્તુઓને સ્ટોરમાંથી હટાવવામાં આવી રહી છે. તેને નૂપુર શર્માની ટિપ્પણી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવા માટેની કાર્યવાહી ગણાવવામાં આવી રહી છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણીના વિરોધમાં ભારતીય વસ્તુઓને સ્ટોરમાંથી હટાવવામાં આવી રહી છે. તો એક વીડિયોમાં કુવૈત સિટીની બહાર સુપરમાર્કેટમાં ચોખાની ગુણી, મસાલા અને મરચુ પાઉડરને પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવી છે. તો અરબીમાં તેના પર લખ્યું છે કે ભારતીય વસ્તુઓને હટાવી દીધી છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ટિપ્પણી બાદ મુસલમાનોએ જાેરદાર રોષ વ્યક્ત કર્યો છે. ઝી ૨૪ કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ વીડિયોથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે નૂપુર શર્માની બેજવાબદાર ટિપ્પણીએ ભારત વિરોધી તત્વોને એક તક આપી દીધી છે. આ ટિપ્પણીનો વિરોધ અનેક મુસ્લિમ દેશો કરી રહ્યાં છે. આ ટિપ્પણી બાદ ભારત માટે કૂટનીતિક મુશ્કેલી પણ ઉભી થઈ છે. કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વિદેશ મંત્રાલયના અધિકારીઓ આ નુકસાનની ભરપાઈ અને સંબંધો ન બગડે તે માટે લાગ્યા છે. તો ઇસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીના સચિવાલયે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના નેતાની ટિપ્પણીનો હવાલો આપતા કહ્યું કે, ભારતમાં મુસ્લિમ વિરોધી માહોલ બનાવવાના પ્રયાસનું નામ આપ્યું. ૫૭ દેશોના ઇસ્લામિક સંગઠનોએ ભારતમાં મુસ્લિમોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલા પર ભારતીય વિદેશ મંત્રાલયે પણ જવાબ આપ્યો છે. ભારતે નૂપુર શર્મા મામલા પર ઈસ્લામિક દેશોના સંગઠનની ટિપ્પણીઓને વિદેશ મંત્રાલયે બિન જરૂરી અને નાના વિચારવાળી ગણાવી છે. અરિંદમ બાગચીએ સ્પષ્ટ કર્યું કે ભારત બધા ધર્મોનું સન્માન કરે છે. એક ધાર્મિક વ્યક્તિત્વની વિરુદ્ધ અપમાનજનક ટ્વીટ અને ટિપ્પણીઓ કેટલાક લોકોએ કરી. આ ભારત સરકારનું નિવેદન નથી. વિવાદિત નિવેદન કરનાર વિરુદ્ધ સંબંધિત સંસ્થાઓએ કડક કાર્યવાહી કરી છે.