મુંબઈ
ટેક્સી એગ્રિગેટર ઉબેરે તેના લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઇન્ડેક્સની ૨૦૨૨ એડિશન બહાર પાડ્યું છે. તેના અનુસાર ઉબરમાં મુસાફરી કરતા મુસાફરોના મામલે મુંબઇ દેશનું સૌથી ભુલકડું શહેર છે. દિલ્હી-એનસીઆર બીજા અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ત્રીજા નંબરે છે. સૌથી વધુ ભુલકડા શહેરોની યાદીમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા ચોથા ક્રમે છે. આ ઇન્ડેક્સ અનુસાર, લોકો મોટાભાગે ઘેવર મીઠાઇ, બાંસુરી, આધાર કાર્ડ, બાઇક હેન્ડલ, ક્રિકેટ બેટ્સ, સ્પાઇક ગાર્ડ્સ અને કોલેજ સર્ટિફીકેટ જેવી યૂનિક આઇટમ ગાડીમાં ભૂલીને જતા રહે છે. ફોન, સ્પીકર્સ, હેડફોન, વોલેટ અને બેગ એ વસ્તુઓમાં સામેલ છે જે છેલ્લા એક વર્ષ દરમિયાન ઉબેરની કારમાં લોકો સૌથી વધુ છોડી ગયા હતા. ત્યારબાદ કરિયાણા, થર્મોસ, પાણીની બોટલ અને ફોન ચાર્જરની આવે છે. સામાન્ય રીતે કારમાં રહી જતી ટોપ ટેન વસ્તુઓની વાત કરીએ તો તેમાં ફોન, કેમેરા, લેપટોપ, બેગ, વોલેટ, સ્પીકર, કરિયાણું, કેશ, પાણીની બોટલ અને હેડફોનનો સમાવેશ થાય છે. આ ઇન્ડેક્સમાં એ દિવસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે વર્ષમાં સૌથી વધુ લોકો કારમાં પોતાનો સામાન ભૂલી ગયા હતા. જેમાં ૨૫ માર્ચ, ૨૪ માર્ચ, ૩૦ માર્ચ, ૩૧ માર્ચ અને ૧૭ માર્ચે સૌથી વધુ લોકોનો સામાન ઉબર કારમાં જ રહી ગયો હતો. લોકો રવિવારે સૌથી વધુ કપડાં, બુધવારે લેપટોપ અને સોમવાર અને શુક્રવારે હેડફોન અને સ્પીકર્સ ભૂલી જતા હતા. સામાન ભૂલવાના સૌથી વધુ કિસ્સા બપોરે ૧ વાગ્યાથી ૩ વાગ્યા દરમિયાન જાેવા મળ્યા હતા. ઉબરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મુંબઈએ સતત બીજી વખત દેશના સૌથી ભૂલકડા શહેરનો ખિતાબ જીત્યો છે. સાથે જ દિલ્હી-એનસીઆર અને લખનઉ પણ ભુલકડા શહેરોમાં સૌથી આગળ છે.” ઉબર ઇન્ડિયાના સેન્ટ્રલ ઓપરેશન્સના ડિરેક્ટર નીતીશ ભૂષણે કહ્યું, “અમને લાગે છે કે કોઈ વસ્તુ ગુમાવવી ચિંતાનું કારણ બની શકે છે. પરંતુ જાે તમે ઉબરમાં મુસાફરી કરતી વખતે કોઈ વસ્તુ ગુમાવો છો તો તમારી પાસે હંમેશાં તેને ફરી મેળવવાનો વિકલ્પ છે. ” ગુમ થયેલા સામાન વિશે જાણવા ડ્રાઇવર પાર્ટનરનો સંપર્ક કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે ઉબર એપ્લિકેશન દ્વારા તેમને કોલ કરવો. જાે ડ્રાઇવર રીપ્લાય આપે અને પુષ્ટિ કરે કે તેમની પાસે તમારો સામાન છે, તો તેને પાછો લેવા માટે એક સમય અને સ્થળ સેટ કરો જે તમારા બંને માટે અનુકૂળ હોય.
