છોટાઉદેપુર જિલ્લામાં વંચિતોના વિકાસ માટે શરૂ થશે “પ્રારંભ પ્રોજેકટ”
વિઓ: જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તડામાર તૈયારીઓ
છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા જિલ્લાના વંચિતોનો વિકાસ થાય અને તેમનું પણ જીવનધોરણ ઉંચું આવે એ માટે ટુંક સમયમાં જ પ્રારંભ પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવનાર છે. કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતા અને સરકારી યોજનાઓના લાભોથી વંચિત નાગરિકોની જરૂરિયાત અનુસાર સરકારની વિવિધ યોજનાઓના લાભો આપી શકાય એ માટે મહત્વાકાંક્ષી પ્રારંભ પ્રોજેકટ શરૂ કરવાનું જિલ્લા કલેકટર દ્વારા નકકી કરવામાં આવ્યું છે.
આ પ્રોજેકટ માટે પ્રારંભિક તબકકે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સર્વે કરીને લાભાર્થીઓની ઓળખ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી જે પૂર્ણતાના આરે છે. ત્યાર બાદ મળી આવેલા લાભાર્થીઓને તેમની જરૂરિયાત મુજબની યોજનાઓનો લાભ મળે એ માટેના ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર થઇ ગયા બાદ લાભાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર લાભ આપવાની કામગીરી આ પ્રારંભ પ્રોજેકટ હેઠળ શરૂ કરવામાં આવશે.
આ પ્રોજેકટ હેઠળ કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ઉજજવલા યોજના, અન્ય સામાજીક કલ્યાણ યોજનાઓ, ખેતીવાડી અને અન્ય વિભાગની યોજનાઓથી, વન નેશન વન રેશનકાર્ડ યોજના, આધારકાર્ડ વગેરથી વંચિત યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે.
આ પ્રોજેકટ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો કે જેઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય, ભટકતું જીવન જીવતા ભિક્ષુકો, મજૂરી અર્થે કાચા ઝૂંપડા બનાવી ખેતરોમાં કે ગામને સિમાડે રહેતા હોય એવા નાગરિકો, શહેરોમાં આશ્રયગૃહોમાં આશ્રય લઇ રહેલા, બાંધકામની સાઇટો પર રહેતા, ફુટપાથ પર જીવન વ્યતિત કરતા હોય, ભટકતું જીવન જીવતા ભિક્ષુકો જેવા લોકોની ઓળખ કરી તેમની જરૂરિયાત અનુસારની યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવશે.
જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના સીધા માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘની રાહબરીમાં પ્રારંભ પ્રોજકેટ અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેકટ વહેલી તકે શરૂ થાય એ માટે પ્રોજેકટને આખરી ઓપ આપવા માટે જિલ્લા કલેકટરના સીધા માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
