મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના ઈન્દોરમાં લવ ટ્રાયન્ગલના કારણે એક હસતો રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. પતિની બેવફાઈના કારણે એક મહિલાએ આપઘાત કરી લીધો છે. બે વર્ષ પહેલા જ મહિલાના લગ્ન થયા હતા. ૧૫ દિવસ પહેલા મહિલાનો પતિ પોતાની પ્રેમિકાને ઘરે લઈને આવ્યો હતો અને તેની સાથે રહેવા લાગ્યો હતો. મહિલાના પતિએ પ્રેમિકા સાથે લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. પતિના આ પ્રકારના વર્તનના કારણે મહિલાને ખૂબ જ દુઃખ થતા તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલો સિમરોલ પોલીસ સ્ટેશનના દલૌદા ગામમાંથી સામે આવ્યો છે. પોલીસે આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, દલૌદામાં રહેતી ૧૯ વર્ષીય સવિતાના બે વર્ષ પહેલા ચીમા ચૌહાન સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ બધું જ બરાબર ચાલી રહ્યું હતું. સવિતા નર્સિંગનું ભણવા લાગી હતી. ખંડવા રોડ પર આવેલ સુખદીપ કોલેજમાં સવિતાએ નર્સિંગના પહેલા વર્ષમાં એડમિશન લીધું હતું. સવિતાનો પતિ ચીમા મહૂ આર્મી ઓફિસરને ત્યાં કામ કરતો હતો. ૧૫ દિવસ પહેલા મહિલાનો પતિ ચીમા પોતાની ગર્લફ્રેન્ડ સાઈનાને લઈને ઘરે આવ્યો હતો. જેના કારણે ચીમાની પત્ની સવિતા ખૂબ જ દુઃખી હતી. ચીમાએ આસપાસમાં પાડોશીઓને પોતાની ગર્લફ્રેન્ડ વિશે કંઈ જ જણાવ્યું ન હતું.ચીમા પોતાની પત્ની સવિતાને ખૂબ જ પ્રેશર આપતો હતો. ચીમા સવિતાને કહેતો હતો કે, તે સાઈના સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને હવે તે આ જ ઘરમાં જ રહેશે. આ વાતને લઈને સવિતા ખૂબ જ દુઃખી હતી અને તેણે પોતાની કઝિન સિસ્ટરને આ મામલે બધી જ હકીકત જણાવી હતી. પોતાની બહેનને આ અંગે વાત કર્યાના બે દિવસ બાદ સવિતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતક સવિતાના પરિવારજનોએ ચીમા અને તેની ગર્લફ્રેન્ડ સાઈના પર ગંભીર આરોપ મુક્યા છે. સવિતાના ભાઈ દયારામે જણાવ્યું કે, પોલીસે અમને આ અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ અમારો પરિવાર ઈન્દોર આવ્યો છે. દયારામે જણાવ્યું કે, ચીમાએ લગ્ન બાદ પણ પોતાના પ્રેમિકા સાઈનાને ઘરમાં રાખી હતી અને લગ્ન કરવા માટે પ્રેશર આપતો હતો. સવિતાએ આ અંગે જલગામમાં રહેતી તેની બહેનને જાણકારી આપી હતી. સવિતા ૬ ભાઈ બહેનોમાં સૌથી નાની હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
