હૈદરાબાદ
રાહુલ ગાંધીની થઈ રહેલી પૂછપરછને લઈને કોંગ્રેસ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુરુવારે તેલંગણા, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રાહુલ ગાંધીની સતત ત્રણ દિવસ ઈડીએ પૂછપરછ કરી જાે કે આજે પૂછપરછમાં બ્રેક લેવામાં આવ્યો છે. તેલંગણામાં પણ મોટા પાયે વિરોધ પ્રદર્શન થયું. આ દરમિયાન હૈદરાબાદમાં ઈડીની કાર્યવાહીના વિરોધમાં કરેલા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ એક પોલીસકર્મીનો કોલર પકડી લીધો. બીજી બાજુ કેરળમાં પણ રાહુલ ગાંધી વિરુદ્ધ ઈડી તપાસને લઈને વિરોધ પ્રદર્શન થયું. તિરુવનંતપુરમમાં કોંગ્રેસ નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો. વિરોધ કરી રહેલા નેતાઓ વિખેરવા માટે પોલીસે વોટર કેનનનો મારો કર્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા. કર્ણાટકમાં પણ કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકુમાર, સિદ્ધારમૈયા, અને પાર્ટીના અન્ય નેતાઓ તથા કાર્યકરોએ બેંગ્લુરુમાં વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન અનેક લોકોની અટકાયત પણ થઈ. ચેન્નાઈમાં પણ કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો. પ્રદર્શન કરી રહેલા નેતા કે એસ અલાગિરીએ કહ્યું કે દિલ્હીના કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસના ઘૂસવાનો કોઈ અર્થ નથી. અમે કોઈ આતંકવાદીઓ નથી અને ન તો અહીં કોઈ બોમ્બ બનાવે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાધીની ઈડી પૂછપરછ કરી રહી છે જેનો કોઈ અર્થ નથી. આ ટ્રસ્ટનો મામલો છે અને અમારો વિરોધ ચાલુ રહેશે. બીજી બાજુ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી કોઈ પણ ચીજ માટે તૈયાર છે, પરંતુ સવાલ એ છે કે શું આ એજન્સીની વિશ્વસનીયતા છે? મીડિયા પૂછપરછની કહાનીને તોડી મરોડીને રજૂ કરી રહી છે. રાહુલ ગાંધી કાયદાકીય અને સચેત મગજથી જવાબ આપી રહ્યા છે. આ રાજનીતિથી પ્રેરિત અને પક્ષપાતપૂર્ણ તપાસ છે અને સરકારનો વિરોધ કરી રહેલા લોકોને કચડવાની કોશિશ છે. તેમણે કહ્યું કે આ મામલે આગળના કાનૂની પગલાં વિશે અમે વિચારી રહ્યા છીએ. આ સિવાય બિહાર અને ચંડીગઢમાં પણ વિરોધ પ્રદર્શન થયા.


