ભુજ
સરકારી તંત્રની કામગીરી તો સૌ કોઈ જાણે જ છે પરંતુ ગેસ કનેકશન માટે ખોદવામાં આવેલા ખાડા એવા ભયંકર હાલતમાં રાખવાથી રસ્તા પર અકસ્માતનું જાેખમ વધી જાય છે તેની કોઈને જાણ સુધ્ધા પણ ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લોકોના ઘરોમાં પાઇપલાઈન મારફતે રાંધણ ગેસ ઉપલબ્ધ કરતી ગુજરાત ગેસ વિભાગ દ્વારા ભુજ શહેરમાં રહેણાંક વિસ્તારો અંદર હાલ જાેડાણ પ્રક્રિયા ચાલી રહી છે. જે અંતર્ગત અનેક સ્થળે આ માટેની કામગીરી કરવા ખાડાઓ ખોદવામાં આવ્યાં હતા જે કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ પણ તે ખાડાઓનું પુરણ ના કરાતા લોકોને હાલાકી પડી રહી છે. શહેરના મોટાભાગના વિસ્તારમાં પેવર બ્લોક પથરાઈ ગયા છે, ત્યારે ગેસ કનેક્શન આપવા માટે ખોડવામાં આવતા ખાડાઓ સેવા સુવિધાને પણ આડઅસર પહોંચાડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને બહાર ટહેલવા નીકળતા લોકો કે વાહનચાલકો માટે આ ખાડાઓ જાેખમી બની શકે છે. માસિક બિલ વ્યવસ્થા હેઠળ ઘરે જ રાંધણ ગેસ પાઇપ લાઈન મારફતે પહોંચાડવા ગુજરાત ગેસ દ્વારા શહેરમાં કરવામાં આવી રહેલી કનેક્શન પ્રક્રિયા પાછળ ૫ થી ૭ દિવસનો સમય લાગતો હોવાનું જાણવા મળ્યું છે. આ માટે રોકાયેલ મજૂરો રહેણાંક વિસ્તારમાં રોડ, બ્લોક ખોદી ખાડાઓ બનાવી દે છે. જેમાં પાથરવામાં આવેલી પાઇપ લાઈન થોડા દિવસ સલામતી માટે એમ જ રાખવી પડતી હોય છે અને તેના પર પાણીનો છટકાવ થયા બાદ સુધારાઈ દ્વારા જે તે સ્થળે જમીન સમતળનું કામ હાથ ધરાય છે. અહીં કામ પૂર્ણ થયા બાદ પણ ખાડાઓ પૂરવામાં આવતા નથી અને તેના દ્વારા ઉખડી ગયેલા બ્લોક રસ્તા પર ફંગોળાઈ જતા વાહનચાલકો માટે અકસ્માતનું કારણ બની શકે છે. લોકોની માગ છે કે, આ કામગીરી દરમિયાન સંબધિત તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવે. હાલ શહેરના ભાનુશાલી નગર, હરસિદ્ધિ નગર અને ન્યુ એસટી સ્ટેશન સહિતના વિસ્તારમાં કામગીરી ચાલતી જાેવા મળી રહી છે.
