વડોદરા
કોયલીમાં અગાઉ દારૂનો ધંધો કરતાં બૂટલેગરનું સ્કોર્પિયોમાં મધ્યપ્રદેશના વિદેશી દારૂના ઠેકેદારોએ રૂપિયા ૫ લાખની લેતી દેતીમાં અપહરણ કરતાં શહેર પોલીસ તંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. છાણી અને ડીસીબી પોલીસે આરોપીઓની ગાડીનો પીછો કરી બુટલેગરને છોડાવી એકની ધરપકડ કરી હતી. ‘મહેશ પ્રવીણભાઈ ગોહિલ (રામપુરા, કોયલી)ને બાઈક પર બેસાડીને એપીએમસી માર્કેટ જવા નીકળ્યા હતા. અગાઉ દારૂનો ધંધો કરતો મહેશ ગોહિલ શાકભાજીનો ધંધો કરતો હોઈ તે એપીએમસી જઇ રહ્યો હતો, ત્યારે મહેશ ગોહિલે દશરથ આઈટીઆઈ પાસે લઘુશંકા જવા બાઈક ઉભી રાખી હતી. તે સમયે મહેશ ગોહિલ પાસે સફેદ સ્ક્રોપીયો આવીને ઉભી રહી હતી અને તેમાંથી ઉતરેલા ઇસમોએ મહેશ સાથે ઝપાઝપી કરી તેને ગાડીમાં બેસાડી રણોલી ચોકડી તરફ ભાગી ગયા હતા. આ ઘટનાથી ડઘાઈ ગયેલા જયરાજ પરમારે મહેશના ભાઈને ફોનથી તુરંત જાણ કરી હતી બંનેએ પોલીસ કંટ્રોલને જાણ કરી હતી જેથી શહેર પોલીસ પણ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સૂત્રો અનુસાર ‘ભોગ બનનારના મામાના દિકરા ફરીયાદીને અલગ કારમા આગળ રાખી આરોપીઓ સાથે ટેલીફોનીક સંપર્ક ચાલુ રાખતા તેમાં આરોપીઓએ બોલેરો કાર દાહોદ ઇન્દોર હાઇવે પર બોલાવી હતી. બોલેરોની આગળ પાછળ પોલીસની ટીમો રાખી મધ્યપ્રદેશ બોર્ડર પહેલા કતવારાની હદમાં આરોપીઓએ ઢાબા પાસે બોલેરો ઉભી રખાવી બ્લેક એક્સ્યુવી આરોપીઓ બોલેરો નજીક લાવી મહેશને નીચે ઉતારી વાત કરતા હતા. પોલીસે ઘેરી ભોગ બનનારને પોલીસની ગાડીમા લીધો હતો અને ભાગી રહેલા એકને પકડ્યો હતો. બાકીના આરોપી ઇન્દોર હાઇવે તરફ નાસી ગયા હતા. મહેશ બે વર્ષ પહેલાં દારૂનો ધંધો કરતો હતો અને હાલ તે શાકભાજી વેચવાનો ધંધો કરે છે. મહેશ અને આરોપી મુકેશ ડાવરની આ અંગે ગહન તપાસ અને પુછપરછ ચાલી રહી છે. છાણી, ડીસીબી પોલીસના ઓપરેશનમાં મુકેશ સજ્જનસિંહ ડાવર (ઉ.વ.-૩૨ રહે. બડાગુડા પટેલ ફળિયા, જાેબાટ, અલીરાજપુર મધ્યપ્રદેશ)ની ધરપકડ કરાઈ હતી, જ્યારે પ્રકાશ મંડલોય, નિલેશ ઠાકોર, શાહરુખની શોધખોળ જારી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
