ગાંધીધામ
રાપર તાલુકાના આડેસર પાસે પોલીસે પીછો કરી પંજાબથી ચોખાના કટ્ટાની આડમાં કચ્છ પહો઼ચેલા રૂ.૫.૧૪ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટક કરી ૧૦.૮૬ લાખના ચોખા, ટ્રેઇલર અને મોબાઇલ સહિત કુલ રૂ.૩૬.૦૬ લાખનો મુદ્દામાલ કબજે કરી આ જથ્થો મગાવનાર સહિત બે વિરૂધ્ધ સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો હતો. આડેસર પોલીસ મથકના પીએસઆઇ બી.જી.રાવલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમને બાતમી મળી હતી કે પંજાબ પાસિંગનું એક ટ્રેઇલર ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલા દારૂના જથ્થા સાથે આડેસર ચેક પોસ્ટ પાસેથી પસાર થવાનું છે. હાલમાં આ ટ્રેઇલર રોઝુ ગામના હાઇવે પર બસ સ્ટેશન પાસેથી પસાર થઇ રહ્યું છે. આ બાતમીના આધારે આડેસર ચેકપોસ્ટ પાસે વોચ ગઠવાઇ હતી બાતમી મુજબની ટ્રક આવતાં તેને રોકવા ઇશારો કર્યો તો તેણે વાહન ભગાડતાં તેનો પીછો કરી આડેસર ગામના પુલિયા પાસે તેને આંતરી ચાલકનું નામ પુછતાં તે પંજાબનો ગુરસાહિબસિંઘ બક્ષિસસિંઘ હોવાનું જણાવતાં ટ્રેઇલરમાં શું ભર્યું છે પુછતાં ચોખાના કટ્ટા નીચે દારૂ ભર્યો હોવાનું કહેતાં તલાશી લેવાઇ હતી. જેમાં રૂ.૫,૧૪,૯૮૦ ની કિંમતના વિદેશી શરાબની ૯૨૪ બોટલો મળી આવતાં પોલીસે ટ્રેઇલર, મોબાઇલ તેમજ રૂ.૧૦,૮૬,૫૫૦ ની કિંમતના ચોખાના કટ્ટા સહિત કુલર રૂ. ૩૬,૦૬,૫૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેની અટક કરી હતી. આ જથ્થો મગાવનાર સહિત બે વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. ટ્રેઇલરની તલાશી દરમિયાન એક લટ્ટી ટ્રાન્સપોર્ટ કંપની ઇન્ડીયાની બિલ્ટી મળી હતી જેમાં માલ મોકલનાર તરીકે ક્વોલિટી ઓવરસિસ પ્રા.લિ.તારન પંજાબ લખેલું છે તો સામે માલ લેનાર તરીકે જીએસ ઇન્ફ્રાપોર્ટ પ્રા.લિ. ફ્રેન્ડ્સ સોલ્ટ વર્ક્સ એન્ડ એલીસ ઇન્ડ્રસ્ટ્રીઝ રેલ્વે ક્રોસિંગ ઝીરો પોઇન્ટ કંડલા , ગુજરાત જેમાં ડીસ્ક્રિબશન ઓફ ગુડ્સમાં રાઇઝ (નોન બ્રાન્ડેડ) લખેલું છે. બીજી પુછપરછમાં પકડાયેલો ચાલક સત્ય હકીકત છુપાવી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. રાપર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે ત્રંબૌ નિવાસ વિકાસ વાડીસામે દરબારગઢમાં ભેંસો બાંધવાના વાડામાં પૃથ્વીસિંહ ઉર્ફે ગટી કેન્દુભા પ્રવિણસિંહ જાડેજાએ બનાવેલી ઓરડીમાં દરોડો પાડી રૂ.૫,૫૦૦ ની કિંમતના વિદેશી શરાબની ૧૧ બોટલ ઝડપી હતી પરંતુ આરોપી પૃથ્વીસિંહ દરોડા સમયે હાજર મળ્યો ન હતો. પૂર્વ કચ્છ એલસીબીની ટીમે રથયાત્રા સંદર્ભે સઘન પેટ્રોલિંગ દરમિયાન જુની સુંદરપુરી ધોબી ઘાટ પાસે રહેતા અક્ષય રાજેશભાઇ ચાવડાને રૂ.૫,૨૫૦ ની કિંમતના વિદેશી દારૂની ૧૫ બોટલ અને રૂ.૬૦૦ ની કિંમતના બિયરના ૬ ટીન સાથે પકડી લીધો હતો જ્યારે અન્ય આરોપી ભારતનગરની કૈલાશ સોસાયટીમાં રહેતો સમીર નરેશભાઇ સથવારા હાજર મળ્યો ન હતો.


