Maharashtra

હત્યાનો આરોપી યુસુફ મૃતક ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ આવ્યો હતો ઃ મૃતકનો ભાઈ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના અમરાવતીમાં બીજેપી નેતા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. ઉમેશ કોલ્હે જે વોટ્‌સએપ ગ્રુપમાં નૂપુર સંબંધિત પોસ્ટ કરી હતી, તે ગ્રુપમાં આરોપી ડો. યુસુફ ખાન બહાદુર પણ હતો. ઉમેશે નૂપુર શર્માને લઇને પોતે કશું લખ્યું ન હતું પણ ૪-૫ પોસ્ટને ફક્ત ફોરવર્ડ કરી હતી. તેની પોસ્ટના સ્ક્રીનશોટ લઇને યુસુફ ખાને અલગ-અલગ ગ્રુપમાં વાયરલ કરી દીધા હતા. આ પછી ઉમેશની હત્યા કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ઉમેશ કોલ્હેની હત્યાને અંજામ આપવા માટે માસ્ટરમાઇન્ડ ઇરફાન શેખે બે ટીમો બનાવી હતી. એક ટીમ દુકાન સામે રેકી કરવા માટે બની હતી. તેમને ઉમેશ દુકાનમાંથી નીકળે તેની જાણકારી આપવાની જવાબદારી આપવામાં આવી હતી. ઉમેશ ૨૧ જૂનની રાત્રે દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યો ત્યારે ઘંટાઘર ગલીમાં ઉભેલી બીજી ટીમને તેની જાણકારી આપવામાં આવી હતી. ઉમેશ ત્યાં પહોંચ્યો ત્યારે હુમલાખોરો તેના પર તુટી પડ્યા હતા. તેના પર ચાકુઓથી ઘણા પ્રહારો કરવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે યુસુફ ખાને જ ઉમેશ કોલ્હેનો ફોટો ઓળખ માટે ઇરફાન ખાનને મોકલ્યો હતો. ઇરફાને આ જ ફોટો પોતાના સાથીઓને મોકલાવી હત્યો. ઇરફાન ખાનનો એનજીઓ નાગપુરમાં છે. ત્યાંથી જ તે ઓપરેટ કરે છે. નાગપુરમાં બેસીને તેણે ઉમેશ કોલ્હેને મારવા માટે અમરાવતીના લોકલ અપરાધીઓને સોપારી આપી હતી. કેમિસ્ટ ઉમેશ કોલ્હેના નાના ભાઇ મહેશ કોલ્હેએ સનસનીખેજ ખુલાસો કરતા કહ્યું કે હત્યાના આરોપમાં સામેલ યુસુફ મારા ભાઇ ઉમેશનો ઘણો નજીકનો મિત્ર હતો. ઉમેશ અને યુસુફ ઘણો સમય સાથે પસાર કરતા હતા. મહેશે જણાવ્યું કે યુસુફ ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયો હતો. અમરાવતી પોલીસ ઇન્સપેક્ટર નીલિમા અરજે જણાવ્યું કે ઉમેશ કોલ્હેની હત્યાના સિલસિલામાં અત્યાર સુધી ૭ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા લોકોમાં ઇરફાન અને યુસુફ પણ સામેલ છે.

file-02-page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *