જૂનાગઢ પર કોરોના ફરી હાવિ થાય તે પહેલા જ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનનું પાલન કરીએ
કોરોના મુક્ત રહેવા અને તન-મનની સ્વસ્થતા માટે
આટલી વસ્તુ કરવા બંધાયેલા રહીએ
જૂનાગઢ : માનવજીવનમાં જો કોઈ મોટું સુખ હોય તો એ છે તંદુરસ્ત સ્વાસ્થ્યનું સુખ. જેમનું તન-મન સ્વસ્થ તેમનું જીવન સફળ. તિજોરીમાં પડેલા સોના-ચાંદી અને પૈસાથી પણ વિશેષ છે રોગમુક્ત અને રોગપ્રતિકાર શક્તિથી ભરેલું નિરામય સ્વાસ્થ્ય. જેની પ્રતીતિ આપણને કોરોનાના કહેરએ બહુ સારી રીતે કરાવી દીધી છે. પરંતુ દુ:ખની વાત એ છે કે, આપણે આ સમજદારીને જાળવી રાખવામાં ઢીલાશ અને થોડી ગફલત કરી રહ્યા છીએ. આપણા જૂનાગઢ પર કોરોના ફરી હાવિ થાય તે પહેલા જ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનનું પાલન કરી તેમને સહકાર આપીને કોરોનાનો સફાયો કરીએ.
દરેક નકારાત્મક પરિસ્થિતિની નબળી કડી તેના નિવારણ માટેનું પ્રથમ પગલું હોય છે. તેથી જો કોરોના પોઝીટીવ આવીએ તો ગભરાયા વિના તેને નેગેટીવ કરવા આપણે પોઝીટીવ રહેવાનું છે. તો ચાલો, કોરોનામુક્ત રહેવા માટે અને તન-મનની સ્વસ્થતા માટે રોજીંદા જીવનમાં આટલી વસ્તુ કરવા બંધાયેલા રહીએ.
જ્યાં સુધી કોરોનાની વેકસીન નથી આવી ત્યાં સુધી મજબુત શસ્ત્ર તરીકે ફરજિયાતપણે માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો. આયુષ મંત્રાલયએ આપેલા સુચન મુજબ પરિવાર સાથે ઉકાળાનું સેવન કરીએ. ડોક્ટર્સની સલાહ અનુસાર ઝીંક અને વિટામીનની સ્વાસ્થ્યવર્ધી દવાઓ લઈએ. મનને ખુશ રાખવા માટે ગમતી પ્રવૃતિઓ કરવી. જેમ કે, હળવું સંગીત સાંભળવું, મનપસંદ વેબસિરીઝ જોવી, યાદશક્તિ વધે તેવી ગેમ રમવી અને સકારાત્મકતા સાથે જ્ઞાનમાં વધારો થાય તેવા પુસ્તકોનું વાંચન કરવું.
મનમાં ચેતનાનો સંચાર કરવા યોગ-ધ્યાન ખુબ લાભદાયી છે. દીર્ઘાયુ જીવન અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગાસનો અસરકારક છે. મનના તણાવને દૂર કરવા માટે અનુલોમ-વિલોમ, ત્રિકોણાસન અને હલાસન કરવું. તેમજ શિયાળો એટલે ગુણકારી એવા લીલોતરી શાકભાજીની સીઝન. તેથી ભોજન લીલોતરી શાકભાજી લેવાથી શરીરને જરૂરી વિટામીન્સ મળી રહે છે. સાથો સાથ વિટામીન-સી યુક્ત ફળ-ફળાદિ પણ ખાવા જોઈએ.
આજે વિશ્વનો દરેક નાગરીક આ મહામારી સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના વોરીયર્સ રાત-દિન લોકોની સેવા-સુશ્રુષા કરી રહ્યા છે. કોરોનાનો ખાતમો ત્યારે જ બોલાવી શકીશું જ્યારે આપણે આપણા તેમજ અન્યોના આરોગ્ય માટે સાવચેતી અને તકેદારીના પગલાઓનું પાલન કરીશું. આ સમય છે સોશ્યિલ ડીસ્ટન્સ રાખીને સાથે રહેવાનો, કારણ વગર બહાર જવાનું ટાળવાનો, વડીલો-બાળકોનું ખાસ ધ્યાન રાખવાનો, આ સમય છે સમજદાર નાગરિક બની સરકારને મદદરૂપ થઈને મહામારીને પરોક્ષ રીતે રોકવાનો. તો ચાલો આજથી જ જાગૃત નાગરીક બનીને કોરોનાને હરાવવામાં લાગી જઈએ.
રિપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચિફ
