પાટણ
પાટણના સિદ્ધપુરનાં મેત્રાણા ગામે આવેલા આબાદપુરાના તળાવમાં એક માસુમ બાળકનું ડૂબી જવાથી મોત નિપજતાં પરિવારજનોમાં શોકની કાલિમા છવાઇ જવા પામી હતી. મેત્રાણા ગામના આબાદપુરાના તળાવ નજીક દિવાન ઠાકોરનો ૯ વષૅનો માસુમ પુત્ર દિપક રમતા રમતા તળાવમાં પડી જતા અને બનાવની જાણ બાળકના પરિવારને થતા પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. બનાવની જાણ ગ્રામજનો તથા ફાયર ફાઈટરની ટીમને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મહામહેનતે બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં દુઃખની કાલીમા છવાઈ જવા પામી હતી. બનાવના પગલે સ્થાનિક પોલીસે બાળકના મૃતદેહનો પીએમ કરાવી લાશ વાલી વારસોને સોંપી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.


