પશ્ચિમબંગાળ
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં ટીએમસી નેતા સ્વપન માઝીની આજે સવારે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેની સાથે અન્ય બે લોકો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટીએમસી નેતા પોતાના ઘરેથી બાઇક પર બે સાથીઓ સાથે બહાર નીકળ્યા હતા, ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકો મોટરસાઇકલને રોકીને અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. ગોળી વાગતાં ટીએમસી નેતા અને તેમના બન્ને સાથીઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હાલ મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે અને ઘટનાસ્થળેથી કારતૂસ અને બોમ્બ મળી આવ્યા હોવાના અહેવાલ છે. સ્વપન માઝી ટીએમસી નેતા હતા અને સ્થાનિક પંચાયતના સભ્ય પણ હતા. કેનિંગ પશ્ચિમના ટીએમસી ધારાસભ્ય પરેશ રામદાસે કહ્યું કે, હત્યારોએ ત્રણેય લોકોને ગોળી મારી હતી અને પછી તેમના માથા કાપવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ, વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ત્રણ લોકોની હત્યા થઇ છે. આ મામલે તપાસ ચાલુ છે. મૃતકોની ઓળખ સ્વપન માઝી, ઝાનતુ હલદર અને ભૂતનાથ પ્રમાણિક તરીકે થઇ છે. આ ઘટના સવારે લગભગ ૯ વાગ્યે બની હતી, જ્યારે આ ત્રણેય લોકો ટીએમસીની સ્થાનિક ઓફિસ જઇ રહ્યા હતા. આ મામલે ધારાસભ્ય પરેશ રામદાસનું કહેવું છે કે, માઝી મંગળવારે રાત્રે મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે મારી હત્યા થઇ શકે છે. મે તેમને જણાવ્યું હતું કે ગુરુવારે બપોરે આવો જેથી પોલીસ સાથે વાત કરી સુરક્ષા વ્યવસ્થા કરી શકાય. આ ઘટના માટે ટીએમસીએ ભાજપને જવાબદાર ગણાવી છે, જ્યારે ભાજપનું કહેવું છે કે આ તેમની આંતરિક ખટપટનું પરિણામ છે. ટીએમસી પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે, અમે આ મામલે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ટીએમસી પર હુમલો છે. ભાજપ અમારી પાર્ટીને નબળી કરવા માંગે છે અને રાજ્યની છબી બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી હોવાની ફરિયાદો કરે છે. આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજૂમદારે કહ્યું કે, ટીએમસીની આ થિયરી પર કોઇ બાળક પણ વિશ્વાસ નહીં કરે.
