ગાંધીનગર
ચિલોડા પોલીસે માર્ચ ૨૦૨૧માં ચંદ્રાલા ગામની સીમમાં હિંમતનગર હાઇવે ઉપર વાહન ચેકીંગ દરમિયાન શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ (નંબર આરજે-૩૦-પીએ-૩૩૨૦) માંથી બિનવારસી થેલામાંથી બે પિસ્ટલો – ૫૦ જીવતા કારતૂસ, બે ખાલી મેગ્જીન ઝડપી પાડયા હતા. તો આ બસ રોકવામાં આવી ત્યારે ઉદેપુર (રાજસ્થાન) થી બેઠેલો મુસાફર ભાગી ગયો હતો. બીજી તરફ આ ગુનામાં વીસેક દિવસ પછી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ એચ પી ઝાલાની ટીમ દ્વારા ચીલોડા વિસ્તારમાંથી રાજસ્થાનના રામ કિશન ઉર્ફે બચ્ચા રામરતન માલીની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની પૂછતાંછ કરતાં આરોપીએ કબૂલાત કરી હતી કે, અગાઉ તેના ગામ ભોલપૂરામાં રહેતા મિત્ર અત્તરસિંહ ઉર્ફે અત્રા ભેરુસિંહ ગુર્જર મળ્યો હતો. જેણે થેલામાં ઉક્ત હથિયારો આપીને સુરતમાં રહેતા તેના મિત્ર પવનસિંહ પરાસરને આપવા મોકલ્યો હતો. જે પેટે ૫ હજાર મળ્યા હતા. આ પવનસિંહનો પણ એક મિત્ર અજય સિંઘે પુના ખાતે રહે છે. જેને પુનાની નવનાથ લુંઢા ગેંગ સાથે દુશ્મનાવટ હતી. એક દિવસ અજય તેની પત્ની મેઘનાને લઈને જતો હતો. ત્યારે આ ગેંગ દ્વારા ફાયરિંગ કરાયું હતું. જેમાં મેઘનાને ગોળી વાગી હતી. જેનો બદલો લેવા માટે આ હથિયારો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યાં હતા. પરંતુ એ પહેલાં જ પોલીસે હથિયારો ઝડપી પાડયા હતા. ત્યારે ઉક્ત ગુનામાં પવન ધરપકડથી બચવા તેના વતન રાજસ્થાન ભાગી ગયો હતો. જેને ચીલોડા પોલીસ મથકના પીઆઈ એમ જી જાડેજાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ થકી રાજસ્થાનથી ઝડપી લઈ ગાંધીનગર લઈ આવી કડકાઈથી પૂછતાંછ હાથ ધરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ અંગે પીઆઈ જાડેજાએ કહ્યું હતું કે, ગેંગ વોરમાં મિત્રની પત્નીને ગોળી વાગતાં નવનાથ લુંઢા ગેંગ સામે બદલો લેવા માટે રાજસ્થાનથી હથિયારો પવને મંગાવ્યા હતા. જે અગાઉ દમણ સેલવાસ અને ઓમકારેશ્વર અને કેદારનાથ મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. હાલમાં બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછતાંછ ચાલી રહી છે.ગાંધીનગરના ચંદ્રાલા ગામની સીમ વિસ્તારમાં હિંમતનગર હાઇવે રોડ પર બસમાંથી વાહન ચેકીંગ દરમિયાન બે પિસ્તોલ – ૫૦ નંગ કારતૂસ સાથે મેઘજીનની સુરતમાં ડીલીવરી આપવા માટે નીકળેલા રાજસ્થાનના ફરાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા માર્ચ ૨૦૨૧ માં ઝડપી લેવાયો હતો. ત્યારે આ હથિયારનો ઉપયોગ પુનાની નવનાથ લુંઢા ગેંગ સામે કરવા માટે સુરતનાં પવન પારાશરે તેના મિત્રને આપવા માટે મંગાવ્યા હતા. જેની ચીલોડા પોલીસે હાલ ધરપકડ કરી છે. આ પવન ઓમકારેશ્વર- કેદારનાથ મંદિરનો પૂજારી હોવાનું બહાર આવ્યું છે.


