રેપ કેસમાં આરોપી અને ભાગેડુ જાહેર કરાયેલા નિત્યાનંદે ફરી એક વખત એવો દાવો કર્યો છે જેને કારણે તે ચર્ચામાં આવી ગયો છે. ખુદનો દેશ કૈલાસા બનાવવાનો દાવો કરનારા નિત્યાનંદે પોતાના દેશ માટે વીઝાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં નિત્યાનંદે દાવો કર્યો છે કે કૈલાસા આવવા માટે તેની ખુદની ચાર્ટર્ડ ફ્લાઇટ સર્વિસ છે, જેમાં લોકો કૈલાસા આવી શકશે. જોકે, અહી આવનારી વ્યક્તિ માત્ર ત્રણ દિવસ સુધી જ રોકાઇ શકે છે.
પોતાના વીડિયોમાં નિત્યાનંદે જણાવ્યુ કે કૈલાસા આવવા માટે ઓસ્ટ્રેલિયાથી ફ્લાઇટ લેવી પડશે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે નિત્યાનંદના આ સ્વઘોષિત દેશનું લોકેશન તેની આસપાસ જ છે. દાવો છે કે વીઝા હેઠળ આ યાત્રામાં પરમ શિવના દર્શન પણ કરાવવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે રેપના આરોપી નિત્યાનંદે દેશમાંથી ભાગ્યા બાદ ગત વર્ષે જ પોતાનો દેશ કૈલાસા બનાવવાની જાહેરાત કરી હતી, ત્યારથી અત્યાર સુધી નિત્યાનંદે પોતાના વીડિયોમાં કૈલાસા સાથે જોડાયેલી કેટલીક જાણકારી આપી છે, જેમાં ખુદની કરન્સી, રિઝર્વ બેન્ક અને અન્ય તમામ સુવિધા હોવાનો દાવો કર્યો છે.
નિત્યાનંદે કૈલાસામાં પોતાની સરકાર, મંત્રી, મંત્રાલય સહિત અન્ય કેટલીક સુવિધા હોવાનો દાવો કર્યો છે. નિત્યાનંદ ભલે ભારતમાં ભાગેડુ જાહેર થયો હોય પરંતુ અવાર નવાર તે પોતાના વાયરલ વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.


