નવીદિલ્હી
મોંઘવારી વિરુદ્ધ આજે દેશભરમાં કોંગ્રેસનું હલ્લાબોલ ચાલુ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અટકાયત કરી. કોંગ્રેસના અનેક સાંસદો વિજય ચોક પર ધરણા ધરીને બેઠા છે. વાત જાણે એમ છે કે રાહુલ ગાંધી કોંગ્રેસ સાંસદો સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કાઢી રહ્યા હતા. પરંતુ પોલીસે તેમને વિજય ચોક ઉપર જ રોકી દીધા અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી છે. પોલીસે આ માર્ચની મંજૂરી આપી નહતી. વિસ્તારમાં કલમ ૧૪ ૪લાગૂ છે. દિલ્હીમાં કોંગ્રેસ કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન અને માર્ચ કરી રહી છે. સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન વચ્ચે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ કાળા કપડાં પહેરીને પ્રદર્શન કર્યું. આ દરમિયાન દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ સાંસદોની અટકાયત કરી. કોંગ્રેસ ઓફિસથી માર્ચ કાઢી રહેલા પ્રિયંકા ગાંધીની પણ અટકાયત કરવામાં આવી છે. સંસદ ભવનથી પાર્ટી સંસદોની માર્ચ શરૂ થતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ તેમાં થોડીવાર માટે સામેલ થયા હતા. પાર્ટી સાંસદોએ કાળા કપડાં પહેર્યા હતા. પોલીસે કોંગ્રેસ નેતાઓને વિજય ચોક પર જ રોકી લીધા. કોંગ્રેસ સાંસદ રાષ્ટ્રપતિ ભવન પહોંચવા માંગતા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અટકાયતમાં લેવાયા તે પહેલા મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા દિલ્હી પોલીસ પર પાર્ટી કાર્યકરો સાથે મારપીટનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અહીં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ પર ઊભા છીએ. અમે આગળ વધવા માંગતા હતા પરંતુ પોલીસે અમને મંજૂરી આપી નહીં. સાંસદો સાથે ગેરવર્તણૂંક અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે તે ઠીક છે, અમારું કામ આ તાકાતોનો વિરોધ કરવાનો છે. અમારું કામ એ સુનિશ્ચિત કરવાનું છે કે ભારતીય લોકતંત્રની રક્ષા થાય. અમારું કામ મોંઘવારી, અને બેરોજગારી જેવા લોકો માટેના મુદ્દાઓ ઉઠાવવાનું છે અને અમે એ જ કરી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે આ તાનાશાહ સરકારને ડર લાગી રહ્યો છે. ભારતની હાલતથી, કમરતોડ મોંઘવારીથી, અને ઐતિહાસિક બેરોજગારીથી, પોતાની નીતિઓથી આવેલી બરબાદીથી. જે સચ્ચાઈથી ડરે છે, તે જ અવાજ ઉઠાવનારાને ધમકાવે છે. બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે આજે એકવાર ફરીથી કોંગ્રેસ સાંસદોને મોંઘવારી, બેરોજગારી, અને જીએસટી વિરુદ્ધ પ્રદર્શન કરવાના લોકતાંત્રિક અધિકારથી વંચિત કરાયા. વિજય ચોક પર અમને પોલીસ વેનમાં ભરી દેવાયા. એક વસ્તુ સ્પષ્ટ છે કે જે ડરે છે તે ડરાવવાનો પ્રયત્ન કરે છે.

