Gujarat

હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી ગુજરાતમાં બે કરોડનું દાન કરશે

સુરેન્દ્રનગર
ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી અત્યારે અમેરિકા તથા કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે. ત્યાં તેઓ કુલ ૪૦ કાર્યક્રમો કરવાના છે. જેમાંથી ૨૫ કાર્યક્રમો પૂરા થઈ ગયા છે. જે ગુજરાતમાં બે કરોડ રૂપિયાનું દાન કરશે. ડો. જગદીશ ત્રિવેદીએ રુપિયા એક કરોડથી વધુ રુપિયાનું દાન કરી દીધું છે. જેમાં સાવરકુંડલાની નિઃશુલ્ક હોસ્પિટલ શેઠ લલ્લુભાઈ આરોગ્ય મંદિરને ચાલીસ લાખ રૂપિયા, રાજુલાની મહાત્મા ગાંધી હોસ્પિટલને ૨૧ લાખ રૂપિયા અને ટીંબીની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને સત્તર લાખ રૂપિયા મળીને આશરે પોણા કરોડ એટલે પંચોતેર લાખ રૂપિયા જેવી માતબર રકમ સૌરાષ્ટ્રની આ ત્રણ નિઃશુલ્ક હોસ્પિટલને અર્પણ કર્યા છે. તદુપરાંત, તેમણે નેશવીલ ટેનેસીનાં એક જ કાર્યક્રમમાંથી ગુજરાત રાજ્યના બારડોલી પાસે આવેલા ખરવાસા ગામની મંદબુદ્ધીનાં બાળકોની શાળા શાંતિનાથાય સેવાશ્રમને ૨૬ લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. આ રકમમાંથી મંદબુદ્ધીનાં બાળકો માટે ફીઝીયોથેરાપીના સાધનો વસાવવામાં આવશે. આ ઉપરાંત જગદીશ ત્રિવેદી પ્રેરિત કેનેડાની સેવાભાવી સંસ્થા ઈન્ડિયન ફેમિલી એસોસિયેશન દ્વારા પાટડીમાં રૂપિયા બાર લાખના ખર્ચે સરકારી બાળ સેવા કેન્દ્ર બનશે. તેમાં કુપોષિત બાળકોને પોષણ આપવામાં આવશે. ન્યુ જર્સીના એક જ કાર્યક્રમમાંથી ૧૧ લાખ રુપિયાનું દાન આપી ઇન્ડીયન બિઝનેશ એશોશિએશનના પ્રમુખ અને જગદીશ ત્રિવેદીના મિત્ર ધીરેનભાઈ અમીન પોતાના વતન સેજાકુવા ( જી. વડોદરા )માં સરકારી પ્રાથમિક શાળા બનાવવાના છે. આ ઉપરાંત રમેશભાઈ ઓઝાનાં વતન દેવકા ખાતે દીકરીઓના શિક્ષણ માટે કાર્યરત સંસ્થા દેવકા વિદ્યાપીઠને પંદર લાખ રુપિયા આપી એક વર્ગખંડની સેવા કરી છે. આમ જગદીશ ત્રિવેદીએ ૩ ઓગસ્ટ સુધીમાં અમેરિકા તથા કેનેડામાં ૨૫ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન કર્યા છે અને હજુ બીજા ૧૫ કાર્યક્રમો બાકી છે. તેઓ ત્રણ મહિનાનાં આ પ્રવાસ વડે ગુજરાતના જરૂરિયાતમંદ માણસોની શિક્ષણ અને આરોગ્યની સેવા માટે આશરે બે કરોડ રૂપિયા જેવી મોટી રકમ લઈને વતન પરત આવશે એવી એમને સાત્વિક શ્રદ્ધા છે. જેમાંથી આશરે એક કરોડ જેટલી રકમ તો વતન સુધી પહોંચી પણ ગઈ એ અત્યંત આનંદની વાત છે.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *