હવે ખેડૂતોને વિવિધ પાકોમાં દવાઓના છંટકાવ માટે પરસેવો નહી પાડવો પડે, રાજ્ય સરકારે ખેડૂતો ટેકનોલોજીને અપનાવતા થાય તે માટે નવતર પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ડ્રોન દ્વારા પણ પાકમાં દવા છંટકાવનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યાં છે. જે ખાસ કરીને શોષક પ્રકારની દવાઓમાં છંટકાવમાં ખૂબ અસરકારક સાબિત થશે.
આ સંદર્ભે જિલ્લા ખેતિવાડી અધિાકરી શ્રી ગૌરવ દવે જણાવે છે કે, ખેડૂતોના ખેતરોમાં પણ ડ્રોન ઉડતા જોવા મળે તો નવાઈ પામવાની જરૂર નથી. કારણ કે, રાજ્ય સરકારે ખેડૂતો આધુનિક ટેકનોલોજી અપનાવતા થાય તે માટે ડ્રોન દ્વારા દવા છંટકાવની યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોએ એક એકરમાં દવાઓનો છંટકાવ કરવા માટે રૂ.૧૦૦ જ ખર્ચવા પડશે. જેમાં એક એકર દીઠ રાજ્ય સરકાર રૂ.૫૦૦ની સહાય આપે છે. આ લાભ મેળવવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશ કરવાનુ રહેશે. જે તા.૨૮ ઓગષ્ટ સુધીમાં કરવાનુ રહેશે.
ખેતિવાડી અધિકારી શ્રી દવે ઉમેરે છે કે, ડ્રોન દ્વારા પાકમાં દવાઓનો છંટકાવ ખાસ કરીને શોષક પ્રકારની દવાઓમાં ખૂબ અસરકારક સાબિત થશે. આવનાર સમયમાં ડ્રોનના માધ્યમથી દવાઓનો છંટકાવ વધુ પ્રચલિત બનશે. કારણ કે, દવા છંટકાવના કામમાં ખેડૂતોએ ખૂબ પરિશ્રમ વેઠવો પડતો હોય છે. બીજી તરફ આજના સમયમાં ખેત મજૂર મળવા પણ મુશ્કેલ બની રહ્યા છે. ત્યારે ડ્રોન દવા છંટકાવની આ પદ્ધતિ ખૂબ આશીર્વાદરૂબ બની રહેશે.
ઉપરાંત ૧૪-૧૫ લીટર ભરેલી પાણીના પંપથી દવાઓનો ખેડૂતો છંટકાવ કરતા હોય છે. તેમાય જ્યારે ખેતરમાં વરસાદ થયો હોય અને દવાઓનો છંટકાવ કરવો આવશ્યક હોય તેવી સ્થિતિમાં ભીની જમીનમાં ખેડૂતોને ચાલવું ખૂબ મુશ્કેલરૂપ બની જતું હોય છે. તેમજ ટ્રેક્ટર દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવતો હોય છે જે મુખ્યત બાગાયત પાકોમાં કરવામાં આવે છે. ત્યારે ડ્રોન દ્વારા દવાઓનો છંટકાવ ખેડૂતો માટે એક મોટી રાહત સમાન રહેશે. તેમ ખેતિવાડી અધિકારી શ્રી ગૌરવ દવેએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા માટે પીએમ કિસાન સન્માન નિધિ, ઝીરો ટકા વ્યાજે ધિરાણ, ટ્રેક્ટર સહિતના અદ્યતન સાધનો ખરીદવા માટે સહાય-સબસિડી આપી રહી છે. સાથે જ આત્મા પ્રોજેક્ટના માધ્યમથી કૃષિ ક્ષેત્રોના અદ્યતનો સંશોધનની માહિતી-માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે.

