આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં પણ હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાશે. હર ઘર તિરંગા કાર્યક્રમને અનુલક્ષી છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તિરંગા રેલી યોજવામાં આવી હતી.
દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને, નાગરિકોમાં તિરંગા પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય એ માટે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની રાહબરીમાં જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ રહેણાંક મકાનો, દુકાનો, શૈક્ષણિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સરકારી અને ખાનગી કચેરીઓમાં તા. ૧૩ થી ૧૫, ઓગષ્ટ દરમિયાન તિરંગો લહેરાવવામાં આવે એ માટે જન જાગૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાન મન્સુરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હર ઘર તિરંગા કાર્યક્રમને લઇને જાગૃતિ આવે એવા પ્રયાસના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના લોકોને કાર્યક્રમ અંગે જાણકારી મળી રહે તથા લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલી યોજવામાં આવી હતી. વાજતે ગાજતે યોજાયેલી આ રેલીમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ ગામમાં રેલી સ્વરૂપે ફરીને હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે લોકો તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન પોતાના ઘરે તિરંગો લહેરાવે એવો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો.
આગામી તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમ દરમિયાન તમામ નાગરિકોએ પોતાના ઘરે તિરંગો ફરકાવે ત્યારે તિરંગાનું યોગ્ય સન્માન જળવાઇ એ રીતે તિરંગો ફરકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
