કાબુલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટા બ્લાસ્ટના અહેવાલ સામે આવ્યા છે. આ ધમાકો કાબુલ સ્થિત એક વ્યસ્ત શોપિંગ સ્ટ્રીટમાં થયો છે. ધમાકામાં ૮ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૨૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ કાબુલમાં એક રહેણાંક વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા. મોહર્રમ માટે અહીં કેટલાય લોકો એકત્રિત થયા હતા. આ દરમિયાન બે બ્લાસ્ટ થયા. પોલીસ પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું, એક વાહનમાં વિસ્ફોટક ઉપકરણ રાખવામાં આવ્યા હતા, જેની જવાબદારી આઈએસે લીધી છે. તેનો ઈરાદો શિયા હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવાનો હતો. પહેલો ધમાકો મોહમ્મદ બાકેર ક્ષેત્રમાં થયો જે કાબુલના સર-એ-કરીજમાં આવેલ જનાના મસ્જિદ છે. બીજાે ધમાકો જે વિસ્તારમાં થયો તે એક રહેણાંક વિસ્તાર છે. આઈએસ એ પોતાના નિવેદનમાં ૨૦ લોકો મૃત્યુ પામ્યા અને ઘાયલ થયા હોવાની વાત કહી છે. અફઘાનિસ્તાનમાં શિયા હજારા સમુદાય કેટલાય વર્ષોથી ઉત્પીડનનો સામનો કરી રહ્યા છે. અગાઉ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને ડઝનેક શિયા મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવા પર રોક લગાવી દીધી હતી. અફઘાનિસ્તાનમાં શિયાઓ પર હાલમાં કેટલાય હુમલા થયા છે. શિયા મુસ્લિમ અહીં અલ્પસંખ્યકના રૂપમાં રહે છે. આઈએસ સાથે જાેડાયેલા આતંકી ગુટ ૨૦૧૪થી અફઘાનિસ્તાનમાં સક્રિય છે, જે દેશની સુરક્ષા માટે પડકાર બનેલા છે.