અમદાવાદ
ઘાટલોડિયાના કે.કે.નગર પાસે ઉમિયા હોલથી પ્રભાતચોક સુધીના ગૌરવપથ પર યોજાયેલી તિરંગા યાત્રામાં કુલ ૩ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને તિરંગાનું ગૌરવ વધાર્યું હતું. આ યાત્રામાં વિશાળ તિરંગા સહિત રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવતી વેશભૂષા, શારીરિક વ્યાયામ અને અંગ કસરત પ્રદર્શનો, સંગીત-નૃત્યો તેમજ દેશપ્રેમની ભાવના દર્શાવતા બેનરો અને પોસ્ટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. તિરંગા યાત્રામાં હર્ષ સંઘવીએ જાતે બાઇક ચલાવ્યું હતું. બાઈક રેલીમાં ૧૦૦૦ જેટલા બાઇકચાલકો જાેડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ મુજબ હેલ્મેટ પહેરી અને બાઇક ચલાવ્યું હતું, પરંતુ તેમની સાથે જાેડાયેલા ભાજપ યુવા મોરચાના એક પણ કાર્યકર્તાએ હેલ્મેટ પહેર્યું નહોતું. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જે રેલીમાં હાજર હતા, તેમાં તેમણે પોતે નિયમનું પાલન કર્યું હતું પરંતુ અન્ય કાર્યકર્તાઓએ પાલન કર્યું ન હતું. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને યુવા મોરચા પ્રમુખ વિનય દેસાઈએ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષના અનુસંધાને સમગ્ર દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે ઉજવી રહ્યું છે. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરીકો પોત-પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા દ્વારા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આવતીકાલથી શરૂ થનારી તિરંગા યાત્રા તેમજ હર ઘર તિરંગા અભિયાનમાં જાેડાવવા માટે સૌ નાગરિકોને પ્રેરિત કરશે. આ તિરંગા યાત્રામાં ભારત માતાની પ્રતિમાને પણ જાેડવામાં આવશે અને દરેક જગ્યાએ ભારત માતાની પ્રતિમાને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દર વર્ષે ૧૪મી ઓગસ્ટે ઉજવાતા અખંડ ભારત સ્મૃતિ દિવસ અંતર્ગત વેજલપુર વિધાનસભાના જાેધપુર વોર્ડ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન થશે. સમગ્ર શહેરમાં આશરે ૩૫૦થી ૪૦૦ કિલોમીટર જેટલો પ્રવાસ આ તિરંગા યાત્રા અંતર્ગત સમગ્ર મહાનગરમાં કરવામાં આવશે.શહેર પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે, દરરોજ બે વિધાનસભામાં આ તિરંગા યાત્રા યોજાશે.આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે રાષ્ટ્રવ્યાપી આભિયાન “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશના સૌ નાગરીકો પોત- પોતાના ઘર, પ્રતિષ્ઠાન, કચેરી, કાર્યાલય, ઓફિસ પર તિરંગો લહેરાવે તે અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં આજે તિરંગા યાત્રાનો ફ્લેગ ઓફ કરાવીને પ્રારંભ કરાવ્યો હતો. જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓએ ૧૫૫૧ ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા યોજી હતી.
