ગુરદાસપુર
પંજાબમાં દૂધાળા પશુઓમાં ફેલાતા ‘લમ્પી સ્કિન ડિસીઝ’એ પશુપાલકોના હોશ ઉડાવી દીધા છે. અત્યાર સુધીમાં હજારો પશુઓ આ ચામડીના રોગથી પ્રભાવિત થયા છે. સ્થિતિની ગંભીરતાને જાેતા રાજ્ય સરકારે તાત્કાલિક બહારથી જરૂરી રસી મંગાવી છે. પ્રથમ દિવસે ઘણા જિલ્લાઓમાં હજારો પશુઓને આ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. એકલા ગુરદાસપુર જિલ્લામાં લમ્પી વાયરસથી બચાવ માટે ૪૭૦૦ ગોટ ફૉક્સ રસી આપવામાં આવી હતી. પશુપાલન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે પ્રથમ દિવસે ગુરદાસપુર જિલ્લામાં ૧૭૦ પશુઓને રસી આપવામાં આવી હતી. ઉપરોક્ત રોગના ફેલાવાને રોકવા માટે સરકાર દ્વારા જિલ્લાને રૂ.૫ લાખની રકમ જાહેર કરવામાં આવી હતી. હવે રોગને રોકવા માટે ૪૭૦૦ રસી પૂરી પાડવામાં આવી છે. એક તબીબે જણાવ્યુ કે ‘લમ્પી સ્કિન ડિસીઝ’ના ફેલાવાને રોકવા માટે જિલ્લામાં ૪૦ ટીમો પણ બનાવવામાં આવી છે. નાયબ નિયામક પશુપાલન વિભાગ ગુરદાસપુર ડૉ. શામ સિંહના જણાવ્યા અનુસાર ગુરદાસપુર જિલ્લામાં કુલ ૯૫૭ પશુઓ આ રોગથી પીડિત હતા. તેમાંથી ૪૧૫ પશુઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને બાકીના પ્રાણીઓ સારવાર હેઠળ છે. ગુરદાસપુરના ડીસી મોહમ્મદ ઈશ્ફાકે કહ્યુ કે આ રોગને નિયંત્રણમાં લેવા માટે અમારા જિલ્લામાં ૪૭૦૦ ગોટ ફૉક્સ ડોઝ મળ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે પશુપાલન વિભાગની ટીમોએ વિવિધ ગામોની મુલાકાત લઈને રસીકરણની કામગીરી શરૂ કરી છે. પ્રથમ દિવસે ૧૭૦ પશુઓને રસી આપવામાં આવી છે. ડીસીએ કહ્યુ કે આજે એટલે કે મંગળવારે ૨ હજાર પશુઓને આવરી લેવામાં આવશે. તેમણે કહ્યુ કે આ રોગને રોકવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તબીબોના મતે ‘લમ્પી સ્કિન ડિસીઝ’ એ એવો રોગ છે જેના કારણે અસરગ્રસ્ત પશુને ખૂબ તાવ આવે છે, તેની ચામડી પર નિશાનો આવે છે, પગમાં સોજાે આવે છે અને તે ચારો ખાવાનુ બંધ કરી દે છે. આ રીતે અનેક પશુઓના મોત થયા છે. પશુપાલન વિભાગના નાયબ નિયામકએ પશુ માલિકોને તેમના પશુને બાંધેલી જગ્યાએ ૧% ફોર્મેલિન અથવા સોડિયમ હાઇ પિક્રોલેટનો છંટકાવ કરવા જણાવ્યુ છે અને જાે પશુ બીમાર પડે તો તાત્કાલિક નજીકની પશુ સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યુ છે.