ફગવાડા
પંજાબમાં ખેડૂતોના સંગઠનો ફગવાડા સુગર મિલમાંથી શેરડીના બાકી નાણાં ન મળવા સામે વિરોધ કરી રહ્યા હતા. હવે આ વિરોધનો અંત આવે તેવી શક્યતા છે. પંજાબ સરકારે શેરડીના ખેડૂતો માટે ૧૦૦ કરોડ રૂપિયા જાહેર કરવાની જાહેરાત કરી છે. ગયા અઠવાડિયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ આ જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે ભારતીય કિસાન યુનિયન (દોઆબા) મંગળવારથી સુગર મિલ ચોકમાં સતત પ્રદર્શન કરી રહ્યુા છે. પ્રદર્શનકારીઓએ નેશનલ હાઈવે બ્લૉક કરી દીધો હતો. જાે કે રક્ષાબંધન પર ખેડૂતોએ હાઇવેની બંને બાજુએ રસ્તો ખુલ્લો કરી દીધો હતો. શુક્રવારે સવારથી ખેડૂતોએ નેશનલ હાઈવે સહિત હોશિયારપુર અને નાકોદર તરફ જતા રસ્તાઓ પણ બંધ કરી દીધા હતા. પોલિસ અને પ્રશાસન ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરતા જાેવા મળ્યા હતા. ખેડૂતો સુગર મિલ તરફના તેમના રૂ. ૭૨ કરોડના લેણાંની ચૂકવણીની માંગ પર અડગ હતા. તેમણે કહ્યુ કે જ્યાં સુધી તેમને પેમેન્ટ નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. મોટી સંખ્યામાં એકત્ર થયેલા દેખાવકારોએ દિલ્લી -અમૃતસર નેશનલ હાઈવે પર સુગર મિલ ચોક ખાતે અનિશ્ચિત સમય માટે ધરણાં શરૂ કર્યા. દિવસ દરમિયાન પ્રદર્શનકારીઓએ લુધિયાણા-જલંધર અને જલંધર-લુધિયાણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ફગવાડાથી નાકોદર અને ફગવાડાથી હોશિયારપુર જતા માર્ગને સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રદર્શનકારીઓનુ કહેવુ હતુ કે તેમનુ સુગર મિલ, ફગવાડા પાસે લગભગ ૭૨ કરોડ રૂપિયાની શેરડીની રકમ બાકી છે જેના માટે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યુ છે. જાે કે, તાજેતરમાં ખેડૂતોએ મુખ્યમંત્રી ભગવંત માન અને પંચાયતના કેબિનેટ મંત્રી કુલદીપ ધાલીવાલ સાથે પણ બેઠક કરી હતી. જેમાં ખેડૂતોની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી હતી. રાત્રે સમાચાર આવ્યા કે રાજ્ય સરકારે શેરડીના ખેડૂતો માટે ૧૦૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેથી હવે પ્રદર્શન અટકી શકે છે.