*જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નિરીક્ષકો દ્વારા સેન્સની પ્રક્રિયા શહેરમાં હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસમાં સવા બસ્સો જેટલા ઉમેદવારોએ ટિકિટ માંગી હોવાનું જાણવા મળે છે. નિરીક્ષકો દ્વારા આ અંગેનો રિપોર્ટ તૈયાર કરી પાર્લામેન્ટ્રી બોર્ડને સુપ્રત કરવામાં આવશે તેમ જાણવા મળે છે. જામનગર મહાપાલિકામાં ૧૯૯૫થી સતત સત્તા ભાજપ પાસે રહી છે અને કોંગ્રેસ હંમેશા વિપક્ષની પાટલી જ શોભાવી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ જામનગરમાં એવી જાહેરાત કરી હતી કે ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી જીત્યા બાદ પક્ષ છોડી ગયેલાને આ વખતે કોંગ્રેસની ટિકીટ આપવામાં આવશે નહી.
*પરિણામે પક્ષમાં રહીને વિપક્ષી કોર્પોરેટર તરીકે ટર્મ પુરી કરનારા અને હાલ પક્ષમાં જ સક્રિય કાર્યકર્તાઓમાં ઉત્સાહનો વધારો થયો છે. પરિણામે ટિકીટ માટે દાવેદારોની સંખ્યા પણ સારા પ્રમાણમાં નોંધાઇ છે બે દિવસમાં ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે સવા બસો જેટલા દાવેદારોએ ટિકીટની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાની ગત ચુંટણી (૨૦૧૫)માં કોંગ્રેસના નિશાન ઉપર ૨૪ ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. આ પછી ડિસેમ્બર-૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ૯ કોર્પોરેટરો પક્ષ છોડી ભાજપમાં જોડાઇ ગયા હતા. આ પછી જયેશ પટેલના પક્ષમાંથી ચૂંટાયેલ એક મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા હતા. છેલ્લે ટર્મ પુરી થઇ ત્યારે કોંગ્રેસ પાસે ૧૬ કોર્પોરેટર હતા. ગુરૂવારે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલ ગાંધીનગર પાર્લામેન્ટ્રી બોર્ડને સોંપવામાં આવશે જે પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
