આગામી ૧૧ જાન્યુઆરીના શાળામાં ધો.૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થઇ રહ્યા છે ત્યારે સરકારી બહાર પાડેલી માર્ગદર્શિકા અનુસાર વાલીએ બાળકો શાળામાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરશે, માસ્ક પહેરીને આવશે તે લેખિત બાહેંધરી આપવી પડશે. વિષય, અભ્યાસક્રમની વ્યવસ્થાનો નિર્ણય શાળાના આચાર્ય કરી શકશે. આમ સરકાર અને શાળાએ પોતાની જવાબદારી માથેથી ખભે કરી છે. રાજયની માધ્યમિક અને ઉ.મા. શાળામાં ૧૧ જાન્યુઆરીથી ધો.૧૦ અને ૧૨ના વર્ગો શરૂ થઇ રહ્યા છે ત્યારે શિક્ષણ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકા અનુસાર શાળામાં આવવું વિધાર્થી માટે સ્વૈચ્છિક રહેશે. આ માટે શાળાએ વાલીઓ પાસેથી લેખિત સંમતિપત્રક મેળવવાનું રહેશે.
જેમાં વાલીએ પોતાના પુત્ર-પુત્રી સરકારની કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરશે, શાળામાં માસ્ક પહેરીને આવશે, પાણીની બોટલ, નાસ્તો વગેરેથી ઘેરથી લઇને આવે અને અન્ય સાથ તેની આપ-લે ન કરે તેની સમજ આપવામાં આવી છે અને મારા પરિવારમાં કોઇ વ્યકિત કોરોના સંક્રમિત હશે તો અને મારું નિવાસ સ્થાન કન્ટેન્સેન્ટ ઝોનમાં આવતું હશે તો મારા બાળકને શાળાએ નહીં મોકલું તેની ખાતરી આપતું લેખિત સંમતિપત્ર આપવાનું રહેશે. જામનગરના વાલીઓએ શાળા શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો છે પણ સંમતિપત્ર મામલે કચવાટ ફેલાયો છે.
