દ્વારકા જિલ્લાના ભાણવડના મેવાસા ગામે ગુરૂવારે મધરાતે માતબર લૂંટને અંજામ આપ્યા બાદ નાકાબંધી વેળા કારમાં ભાગી રહેલા શખ્તોએ પોલીસ જીપને દુરથી જોઇ પથ્થર ફેંકી જીપનો કાચ તોડીને અંધારામાં નાશી છુટ્યાનો બનાવ બહાર આવ્યો છે. મેવાસા ગામની ભાગોળે રેલવે ફાટક પાસે વાડીવિસ્તારમાં રહેતા એક આસામીના ઘરે ગુરૂવારે મધરાતે એક વાગ્યાના સુમારે છરી સહિતના ઘાતક હથિયાર સાથે ઘુસેલા શખ્સો કાર અને દાગીના સહિતની માલમતાની લૂંટ ચલાવી નાશી છુટયા હતા. જેના પગલે દ્વારકા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી.
જે દરમિયાન કારમાં સવાર ઉકત લુંટારૂ ટોળકીએ લાલપુરના ખીરસરા પાટીયા નજીક સામેથી આવતી પોલીસ જીપ જોઇ લીઘી હતી જેના પગલે તુરંત લગભગ સો મીટર દુર કાર રોકી અંધારામાં પથ્થરનો ઘા કરી જીપનો કાચ તોડીને નાશી છુટ્યા હતા. જેની જાણ થતા ઉચ્ચ પોલીસઅધિકારીઓ પણ દોડી ગયા હતા. પોલીસે નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જોકે, લુંટારૂઓ હાથ લાગ્યા ન હતા. આ બનાવ અંગે લાલપુર પોલીસે અલગથી ગુનો નોંધીને તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.
