સુરેન્દ્રનગર શહેરના મેઈન રસ્તા ઉપર આવેલા અંડર બ્રિજ ઉપર ઘણા સમયથી ફૂટપાથની આરસીસી પલેટ તુટી ગયેલ હોવાથી આ અંડર બ્રિજ ઉપર મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી રસ્તે નિકળતા રાહદારીઓમાં છવાઇ છે. વધુ વિગત મુજબ અંડર બ્રિજના રસ્તે પસાર થતા બહોળી સંખ્યામાં રાહદારીઓ સહિત કીરીટભાઈ ત્રીવેદીએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરના મેઈન રસ્તાના અંડર બ્રિજ ઉપર વાહનોની અવર જવર અને ભારે ટ્રાફિકના કારણે અંડર બ્રિજ પાસે આવેલી ગટરની ફૂટપાથ ઉપર રસ્તે નિકળતા રાહદારીઓને પસાર થવુ પડે છે.
તુટી ગયેલા સ્લેબને ઠેકી પસાર થતા મુશકેલી સર્જાય છે ત્યારે આ અંડર બ્રિજ ઉપર ઘણા સમયથી આરસીસી ભરેલો સ્લેબ તુટી જવાથી રસ્તે નિકળતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ અંડર બ્રિજ ઉપર ત્રણ જગ્યાએ ગટર ઉપર ઢાકેલા આરસીસી ઢાકણા તુટી જવાથી દિવસે તેમજ અંધારામાં રાત્રીના સમયે પસાર થતા રાહદારીઓ અને સિનીયર સિટીઝનો તેમજ બહેનો અને નાના બાળકોનો પગ જો ગટરના ખાડામાં પડશે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતી શહેરીજનોમાં સેવાઈ રહી છે ત્યારે નગરપાલિકા પાલીકા દ્વારા તાકીદે અંડર બ્રિજના ફૂટપાથ ઉપર તુટી ગયેલ જગ્યાએ આરસીસી પ્લેટ ઢાંકવામાં આવે તેવી શહેરીજનો અને રાહદારીઓમાં માંગ ઉઠવા પામી.
