નવીદિલ્હી
ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંસદીય બોર્ડમાં બુધવારે મોટો ર્નિણય કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને હટાવી દીધા છે. પાર્ટીએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા તથા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સહિત છ નવા ચહેરાને તેમાં સામેલ કર્યાં છે. ભાજપ તરફથી જાહેર નિવેદન પ્રમાણે રાજ્યસભા સભ્ય તથા પાર્ટીના અન્ય પછાત વર્ગ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણ, અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઇકબાલ સિંહ લાલપુરા, પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા પૂર્વ સાંસદ સુધા યાદવ અને વરિષ્ઠ નેતા તથા પૂર્વ સાંસદ સત્યનારાયણ જટિયાને સંસદીય બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સંગઠન મહામંત્રી બીએલ સંતોષ પહેલાથી સંસદીય બોર્ડના સભ્ય છે. પાર્ટીના અધ્યક્ષ હોવાને નાતે જેપી નડ્ડા ૧૧ સભ્યોના સંસદીય બોર્ડના અધ્યક્ષ હશે. ભાજપની આ જાહેરાત સાથે બીએસ યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઇકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ અને સત્યનારાયણ જટિયાનું પાર્ટીમાં કદ વધી ગયું છે. નોંધનીય છે કે સંસદીય બોર્ડ ભારતીય જનતા પાર્ટીની ગવર્નિંગ બોડી છે જે રાષ્ટ્રીય કાર્યકારિણી અને મોટા ર્નિણયો કરે છે. રાષ્ટ્રીય કાર્યકારિણી એક સંસદીય બોર્ડની રચના કરે છે, જેમાં પાર્ટી અધ્યક્ષ અને દસ અન્ય સભ્ય સામેલ થાય છે. સંસદીય બોર્ડ પાર્ટીના સંસદીય અને કાયદાકીય જૂથોની ગતિવિધિઓ પર નજર રાખે છે. બોર્ડ રાષ્ટ્રીય કાર્યકારિણીની નીચેની તમામ સંગઠન એકમનું માર્ગદર્શન અને નિયમન કરે છે. સંસદીય બોર્ડની સાથે જેપી નડ્ડાએ ચૂંટણીમાં ટિકિટ પર મહોર લગાવનાર કેન્દ્રીય ચૂંટણી સમિતિનું પણ પુનર્ગઠન કરી દીધુ છે. પાર્ટીની ૧૫ સભ્યોની કેન્દ્રીય ચૂંટણીસમિતિમાં નડ્ડા અધ્યક્ષ તરીકે રહેશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ, કે. લક્ષ્મણ, ઇકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જટિયા, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર અને વનશ્રી શ્રીનિવાસનને તેમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષને ચૂંટણી સમિતિમાં પણ સચિવ તરીકે સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહેલા શાહનવાઝ હુસૈનને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
